ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં ખેડૂતો અને પશુપાલકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેને કારણે ગ્રામ્ય અર્થતંત્રને મોટો બળ મળશે. આ બજેટમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓ માટે મોટી રકમ ફાળવવામાં આવી છે.
ઓજારોની ખરીદી માટે ₹1565 કરોડની જોગવાઈ
ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ ધપાવવા કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદી માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજારમાં ઉત્પાદનોને યોગ્ય ભાવ મળે તે માટે માર્કેટિંગ, બ્રાન્ડ પ્રમોશન, હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે ₹39 કરોડ ફાળવાયા છે. વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા ₹12 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
સંચાઈ માટે ખાસ જોગવાઈ
સિંચાઈ સુવિધા મજબૂત બનાવવા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશોમાં ‘સુજલામ સુફલામ’ પાઇપલાઇન યોજના માટે ₹1237 કરોડ ફાળવાયા છે. ઉપરાંત ‘સૌની યોજના’ માટે ₹473 કરોડ અને કચ્છ માટે વિશેષ યોજના હેઠળ ₹1333 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદના નળકાંઠાના ગામોને પાઇપલાઇન અને કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા આપવા ₹958 કરોડ ફાળવાયા છે.
ખેડૂતોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવશે
મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને મજબૂત કરવા સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘ગૌ માતા પોષણ યોજના’ માટે ₹500 કરોડ ફાળવાયા છે, જે પશુપાલકોને સીધી મદદરૂપ બનશે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય માટે ₹1539 કરોડ ફાળવાયા છે, જે ખેડૂતોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવશે.
ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે
આ ઉપરાંત પશુપાલકોને પૂરક આવક મળે તે માટે રાજ્યના ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવા ₹112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, આ બજેટ કૃષિ, સિંચાઈ, પશુપાલન અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપતું હોવાથી ખેડૂતો માટે ખુશીની વાત સમાન છે.




















