Home Gujarat Protests In Surat Over Singer Aarti Sanganis Love Marriage

સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈ વિરોધ! : પાટીદારોમાં રોષ, 'સાંગાણી નો કાર્યક્રમ રદ કર્યો'

સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈ વિરોધ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 09:56 AM IST

Aarti Sangani love marriage : સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નને લઈને વિરોધનો મામલો સામે આવ્યો છે. સુરતના મોટીવેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે સુરાણી પાટીદાર પરિવારના લગ્ન પ્રસંગે આરતી સાંગાણીને ગીત ગાવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પાટીદાર યુવાનો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.

આરતી સાંગાણીનો વિરોધ

મળતી માહિતી મુજબ આરતી સાંગાણીએ પ્રેમલગ્ન કર્યા હોવાના મુદ્દે કેટલાક પાટીદાર યુવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સુરાણી પરિવારના લગ્ન કાર્યક્રમના સ્થળ બહાર પહોંચ્યા હતા અને આરતી સાંગાણી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ વધતા કાર્યક્રમ સ્થળે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી.

આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો

વિરોધની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરાણી પરિવાર દ્વારા સમાજના હિત અને સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરતી સાંગાણીનો કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ધર્મેશ સુરાણીએ જણાવ્યું હતું કે, સમાજ દ્વારા વિરોધ થતાં કોઈ વિવાદ ન સર્જાય અને લગ્ન પ્રસંગ શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સાથે સાથે તેમના સ્થાને ગીતા પટેલને લગ્ન ગીત માટે નક્કી કરવામાં આવ્યા હતા.

પાટીદાર સમાજમાં ચર્ચાનો માહોલ

ઉલ્લેખનીય છે કે આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરાણી પાટીદાર પરિવારએ આરતી સાંગાણીના વિવાદ બાદ પણ સમાજ સાથે રહેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. આ ઘટનાને લઈને સુરત સહિત સમગ્ર પાટીદાર સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now