જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકીઓ દ્વારા પર્યટકો પર ગોળીબાર કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછીને પછી તેઓ હિન્દૂ જણાતા તેમની હત્યા કરી હતી. આતંકીઓએ પરિણીતાઓની સામે જ તેમના પતિઓને ગોળી મારીને તેમનું સિંદૂર છીનવી લીધું હતું. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકના અડ્ડાઓ પર એયરસ્ટ્રાઈક કરીને તેનો જડબાતોડ જવાબ આપી દીધો છે.
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલીવાર પીએમ મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ગાંધીનગર ખાતે પીએમ મોદીના રોડ શો માં શૌર્ય ગીતો અને દેશભક્તિના ગીતોની રંગત રેલાઈ છે. 'વો જબ કરેંગે હમલા હમ આરતી નહીં ઉતારેંગે...' પીએમ મોદીના રોડ શોમાં હાલ આ ગીત ગૂંજી રહ્યું છે. PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આ રોડ શોમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છેકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભૂજની મુલાકાત બાદ આજે ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી પીએમનો રોડ શો શરૂ થઈ ગયો છે. આજે તેઓ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. PM મોદીના રોડ શોમાં એક લાખ જેટલા લોકો ઉમટી પડ્યાં છે.
ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદી રૂ.5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તેમની સુરક્ષા માટે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ શોમાં એક લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. પોલીસે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવ્યો છે.






