ભારતમાં 2036ના ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની શક્યતાઓને લઈને હવે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતો આયોજન થવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. તે અનુસંધાને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓલિમ્પિક આયોજનની પ્રક્રિયાને આગળ ધપાવવા માટે રાજ્યનું પ્રતિનિધિમંડળ લંડન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લંડન જશે રાજ્યના મંત્રી અને અધિકારીઓ
રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, તેમજ એમ. થૈનારસન અને બંછાનીથી પાની લંડનની મુલાકાતે જશે. તેઓ ખાસ કરીને કોમનવેલ્થ ટીમ સાથે મીટિંગ કરશે અને ઓલિમ્પિક આયોજનની આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાઓને સમજશે. આ પ્રતિનિધિમંડળ 31 મે થી 8 જૂન સુધી લંડનમાં રહેશે.
ગુજરાતમાં 33 સ્થળોની પ્રાથમિક પસંદગી
રાજ્ય સરકારે ઓલિમ્પિક રમતો માટે સંભવિત સ્થળો શોધવાની કામગીરી આરંભી છે. અત્યાર સુધીમાં કુલ 33 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 17 અમદાવાદમાં અને 6 ગાંધીનગરમાં છે. બાકી સ્થળો ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવેલા છે. આમાંથી 22 સ્થળ એકલવી રમતગમત માટે છે, જ્યારે 11 સ્થળ મલ્ટી સ્પોર્ટ્સ માટે પસંદ કરાયા છે. આ પસંદગી પૂર્વે 131 સાઇટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ઓલિમ્પિક માટે 5 સેટેલાઇટ ટાઉન વિકસાવાશે
અમદાવાદને કેન્દ્રીભૂત રાખીને આસપાસના વિસ્તારોમાં વિકાસ કામો યોજવામાં આવશે. સરકાર દ્વારા ઓલિમ્પિક માટે 5 સેટેલાઇટ ટાઉન – કલોલ, સાણંદ, દહેગામ, બારેજા અને મહેમદાવાદ – વિકસાવવા આયોજન કરાયું છે. આગામી સમયમાં આ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેનાથી તેઓ આંતરરાષ્ટ્રીય ધોરણના શહેરો બની રહેશે.
આયોજન તરફ દ્રઢ પગલાં
ગુજરાત સરકાર દ્વારા આ પહેલ સાથે વિશ્વના સૌથી મોટા રમતો મહોત્સવ – ઓલિમ્પિક –નું યજમાન બનવાનો દ્રઢ ઇરાદો વ્યક્ત થયો છે. લંડન પ્રવાસ બાદ તૈયારીના બીજા તબક્કાની કામગીરી ઝડપથી આગળ વધશે એવી શક્યતા છે.
"પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે": AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર





