Home Gujarat Pre Board Exam Organized Before Board In Ahmedabad

અમદાવાદમાં બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન : 47 હજારથીઓ માટે 'ડેમો પરીક્ષા', તણાવ ઘટાડવાનો પ્રયાસ

અમદાવાદમાં બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 06:36 AM IST

અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પદ્ધતિથી સંપૂર્ણ રીતે વાકેફ કરાવવા માટે આ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે.

47 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડનું આયોજન

આ પ્રિ-બોર્ડ પરીક્ષા આજથી શરૂ થઈ છે અને આગામી 22 જાન્યુઆરી સુધી ચાલશે. અમદાવાદ શહેરની કુલ 551 જેટલી શાળાઓમાં 47 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા જેવી જ પદ્ધતિથી બેઠક વ્યવસ્થા, સમય નિયંત્રણ અને જવાબ લખવાની રીત સાથે પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓને વાસ્તવિક બોર્ડ પરીક્ષાનો અનુભવ મળી શકે.

ઓનલાઈન લિંક મોકલી હોલ ટિકિટ ડાઉનલોડ કરાવવામાં આવી

પ્રિ-બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10ના 45 હજારથી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઈન લિંક મોકલી હોલ ટિકિટ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક કરીને અને મોઢું મીઠું કરાવી ઉત્સાહભેર પ્રવેશ અપાયો હતો, જેથી તેમનો ભય અને તણાવ દૂર થઈ શકે.

'આ પ્રિ-બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આપશે'

ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન બેઠક વ્યવસ્થા, સમય સંચાલન અને જવાબ લખવાની પદ્ધતિ અંગે અજાણ હોવાના કારણે ભૂલો કરતા હોય છે. આવી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર બોર્ડની પરીક્ષાનો ડર દૂર થયો હોય તેવું પણ જોવા મળ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રિ-બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આપશે અને તેઓ બોર્ડની પરીક્ષા વધુ સારી રીતે આપી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now