Home Gujarat Pothole On The Road Again Near Wooda Circle In Vadodara

ભુવાની ભેટ : વડોદરામાં વગર વરસાદે ભુવો

ભુવાની ભેટ
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 08:15 AM IST

વડોદરા શહેરના વ્યસ્ત અને મુખ્ય માર્ગ ગણાતા વુડા સર્કલ વિસ્તારમાં ફરી એકવાર માર્ગ ઉપર 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. આ ઘટના બાદ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકા તથા તેમના કામકાજની ગુણવત્તા પર ફરીથી સવાલો ઊઠવા લાગ્યા છે.

જાહેર માર્ગ પર પડેલા ભુવા સાથે જોડાયેલી નોંધપાત્ર બાબત એ છે કે આ સ્થળે, માત્ર લગભગ ૧૦ મીટરના અંતરે જ આવેલા કોમ્પ્લેક્સ પાસે અગાઉ પણ ડાયનોસરના આકાર જેટલો મોટો ભુવો પડ્યો હતો. તે ઘટનામાં પૂરતું સંશોધન થયા વિના મોડેથી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે ફરી સમી જગ્યાએ ભુવો પડતા પાલિકા તથા કોન્ટ્રાક્ટરોની જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

સામાજિક કાર્યકરોના જણાવ્યા અનુસાર, તેઓ પોતે ૧૦ ફૂટ ઊંડા ભુવા માં ઉતરી માપણી કરી છે, જેથી ભુવાના ઘેરાવ અને ઊંડાણની ગંભીરતા સામે આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુએ તેમની પ્રથમ મીડિયા વાતચીતમાં પોટહોલ્સ દૂર કરવાની ખાતરી આપી હતી. છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર રોડ ધરાશાયી થતી ઘટનાઓ લોકોના વિશ્વાસને ડગમગાવે છે.

શહેરવાસીઓ અને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતું કામ તકલાદુ અને ઓછી ગુણવત્તાવાળું હોવાથી આવા બનાવો વારંવાર સામે આવી રહ્યા છે.

શહેરીજનોમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જનસુરક્ષાને લઈને પાલિકાની કાર્યક્ષમતા સામે ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now