Home Business Postal Department Is Set To Launch The 24 Speed Post Service Starting Tomorrow

"આજે કુરિયર મોકલો અને કાલે પહોંચશે, એ પણ ગેરંટી સાથે"! : ટપાલ વિભાગ આવતીકાલથી શરૂ કરશે '24 સ્પીડ પોસ્ટ' સર્વિસ

"આજે કુરિયર મોકલો અને કાલે પહોંચશે, એ પણ ગેરંટી સાથે"!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 11:56 AM IST

Next-Day Guaranteed Delivery service by india post: ભારતીય ટપાલ વિભાગ (India Post) ગ્રાહકોને ઝડપી સુવિધા આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહ્યું છે. 17 માર્ચ, 2026 થી વિભાગ દ્વારા '24 સ્પીડ પોસ્ટ' નામની નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત ઝડપી અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવાનો છે.

સેવાનો શુભારંભ

આ નવી સેવાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સંચાર રાજ્ય મંત્રી ડો. ચંદ્ર શેખર પેમ્માસાની દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ દિલ્હીના આકાશવાણી ભવનના રંગભવન સભાગૃહમાં બપોરે 12:30 કલાકે યોજાશે, જેમાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

શું છે આ સેવાની ખાસિયત?

'24 સ્પીડ પોસ્ટ' સેવા હેઠળ, જો તમે આજે તમારું કુરિયર બુક કરાવો છો, તો તે આગામી દિવસે (Next Day) તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે તેની ખાતરી આપવામાં આવી છે. શરૂઆતમાં આ સેવા દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં ઉપલબ્ધ થશે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. D+1 અને D+2 ડિલિવરી આ નવી સિસ્ટમમાં 24 અને 48 કલાકની અંદર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને અગ્રતા ધરાવતા વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે.

ગ્રાહકોને મળતી આધુનિક સુવિધાઓ

આ સેવામાં માત્ર ઝડપ જ નહીં, પરંતુ સુરક્ષા અને સુવિધા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કુરિયર સુરક્ષિત રીતે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે માટે OTP સિસ્ટમ રાખવામાં આવી છે. SMS એલર્ટ દ્વારા ગ્રાહકો એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ કરી શકશે. મોટા પાયે બુકિંગ (Bulk Booking) કરનારા ગ્રાહકો માટે ફ્રી પિકઅપ, BNPL (Buy Now Pay Later) સુવિધા અને સેન્ટ્રલાઈઝ્ડ બિલિંગ જેવી વ્યવસ્થાઓ હશે.

મોડું થાય તો પૈસા પાછા: મની-બેક ગેરંટી

આ સેવાની સૌથી આકર્ષક બાબત તેની મની-બેક ગેરંટી છે. જો કોઈ કારણસર વિભાગ તમારું કુરિયર નક્કી કરેલા સમયમર્યાદામાં પહોંચાડવામાં નિષ્ફળ રહેશે, તો સર્વિસ માટે વસૂલવામાં આવેલી ફી ગ્રાહકને પરત કરી દેવામાં આવશે. આ પગલાથી ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ ડિલિવરી ક્ષમતામાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. ભારતીય ટપાલ વિભાગની આ નવીનતમ '24 સ્પીડ પોસ્ટ' સેવા સામાન્ય લોકો અને વેપારીઓ બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હવે ગેરંટી સાથે માત્ર એક દિવસમાં કુરિયર પહોંચાડવું શક્ય બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now