Ahmedabad Police action : અમદાવાદ શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃતિ પર નિયંત્રણ મેળવવા માટે પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ) દ્વારા વર્ષ 2025 દરમિયાન મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં રૂપે પાસા તથા તડીપારની કાર્યવાહી અગાઉ કરતાં વધુ કડક રીતે અમલમાં મુકાઈ છે. પીસીબી દ્વારા વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 1006 જેટલા આરોપીઓને પાસા હેઠળ પકડીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આ આંકડો 1200 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સરખામણી કરીએ તો વર્ષ 2023 માં 706 અને વર્ષ 2024 માં 953 પાસા કરવામાં આવ્યા હતા, એટલે કે આ વર્ષે અગાઉની તુલનાએ નોંધપાત્ર વધારો થયો છે.
અમદાવાદ પીસીબીની મોટી કાર્યવાહી
તડીપારની કાર્યવાહી પણ વર્ષ 2025 માં વધારે જોવા મળ્યો છે. આ વર્ષે 218 અસામાજિક તત્વોને અમદાવાદની હદ બહાર તડીપાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2024માં 152 અને 2023માં 136 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો પર સતત નજર રાખવાના અભિગમ હેઠળ, પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીએ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ગુનાઓ નોંધવાની કામગીરી ઝડપથી આગળ ધપાવી છે.
કાયદો-વ્યવસ્થા માટે પોલીસનો મજબૂત અભિગમ!
થર્ટી ફર્સ્ટ પહેલાં શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તેના ભાગરૂપે 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં પીસીબી દ્વારા પ્રોહિબિશનના 9 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 833 લીટર દેશી દારૂ, 10 આરોપીઓની ધરપકડ અને કુલ રૂ.11.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 આરોપી હજુ સુધી ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે. અમદાવાદ પીસીબીની આ કામગીરીથી શહેરમાં ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસનો સખત અભિગમ સ્પષ્ટ થાય છે.






