Local Body Election 2026: ગુજરાતમાં આગામી 26 એપ્રિલ2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી એક મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. 1 એપ્રિલથી આચારસંહિતા અમલી બની ચૂકી છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે એટીએસ (ATS) ના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ચૂંટણી કાર્યક્રમ અને નોડલ અધિકારીની નિમણૂક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયપત્રક મુજબ, 11 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 15 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી બાદ 30 એપ્રિલ સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. આ સાથે જ 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સતત મોનિટરિંગ કરશે અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધશે.
ગુનેગારો સામે લાલ આંખ: PASA અને પ્રતિબંધાત્મક કાર્યવાહીના આદેશ
રાજ્ય પોલીસ વડાએ તમામ યુનિટોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, અસામાજિક તત્વો અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવામાં આવે. ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને મહત્તમ 'પાસા' (PASA) હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. સંવેદનશીલ જિલ્લાઓમાં સઘન કોમ્બિંગ હાથ ધરવા, ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવા અને દારૂની હેરાફેરી જેવી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા ઉચ્ચ અધિકારીઓને વ્યક્તિગત ધ્યાન આપવા જણાવાયું છે. જે ગુનેગારો સામે નોન-બેલેબલ વોરંટ પેન્ડિંગ છે, તેમને તાત્કાલિક બજાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
વધારાનું પોલીસ બળ અને સરહદો પર ચેકિંગ
ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના 9000 જેટલા નવનિયુક્ત તાલીમબદ્ધ LRD રિક્રુટ્સ અને વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાં તૈનાત કરવામાં આવશે. 2021ની ચૂંટણીના અનુભવોને આધારે દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પોલીસ બળ મોકલવામાં આવશે. આ ઉપરાંત, આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ વધારીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી બહારથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ રાજ્યમાં ન પ્રવેશે. બદલી થયેલા અધિકારીઓને 24 કલાકમાં નવી જગ્યાએ હાજર થઈ મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા છે.
ફૂટ પેટ્રોલિંગ અને IBનું સતત મોનિટરિંગ
15 એપ્રિલ પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને મોબાઇલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. ગાંધીનગર સ્થિત આઈબી (IB) ની ટીમો દરેક હિલચાલ પર નજર રાખશે. પોલીસ વડાએ તમામ અધિકારીઓને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને વીઆઈપી સુરક્ષા અને કોમ્યુનિકેશન સિસ્ટમ સુદ્રઢ બનાવવા જણાવ્યું છે, જેથી સામાન્ય નાગરિકો કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.





