વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પાસે 4 દિવસ પહેલા વહેલી સવારે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા એક મહિલા અને એક યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભાનુબેન હરિજનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત સર્જનારની શોધખાળ હાથ ધરી
અકસ્માત થતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્તોને સત્વરે સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે પોલીસને જાણ થતા, ગોરવા પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જીને ફરાર થયેલા કારચાલકને ગોરવા પોલીસે હજુ સુધી અટક કર્યો નથી. આ મામલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો આરોપીની વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ કરી આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.





