Home Gujarat Poicha Khandi Farmhouse Firing Case

પોઈચા ખાંડી ફાર્મહાઉસ પર ગોળીબાર કાંડ : ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ છગન પટેલ ઝડપાયા, ખૂનની કોશિશનો ગુનો

પોઈચા ખાંડી ફાર્મહાઉસ પર ગોળીબાર કાંડ
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 10:29 AM IST

વડોદરા જિલ્લાના પોઈચા ખાંડી ગામે આવેલા ફાર્મહાઉસ પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ છગન પટેલની ધરપકડ કરી છે. ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.

મળતી માહિતી મુજબ, આરોપી છગન પટેલે પોતાની બહેનને ફાર્મહાઉસ પરથી લેવા આવેલા તેના ભાઈ અને પરિવારજનો પર ફાયરિંગ કર્યું હતું. અચાનક થયેલા ગોળીબારથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ બનાવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તે ક્યાં છુપાયો હતો અને તેને કોણે આશરો આપ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ભાદરવા પોલીસે આરોપી સામે ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના પછી સામે આવેલા એક વીડિયોમાં આરોપી છગન પટેલ હસતો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તેના હાથમાં મોબાઈલ ફોન પણ દેખાય છે, જેને લઈને નવા સવાલો ઊભા થયા છે. પોલીસ કસ્ટડી દરમિયાન આરોપી પાસે ફોન કેવી રીતે આવ્યો? શું તેને કોઈ વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે શું રાજકીય દબાણ હેઠળ આરોપીને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? જોકે પોલીસ સત્તાવાર રીતે તમામ કાર્યવાહી કાયદેસર અને નિયમ મુજબ થઈ રહી હોવાનું જણાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now