મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના શાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. બરાબર 12 વર્ષ પહેલા, 26 May 2014 ના રોજ તેમણે દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. આ ઐતિહાસિક અવસર પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા દેશભરમાં એક વિશેષ 'સિદ્ધિ અભિયાન' શરૂ કરીને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
દેશના ત્રીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા PM
ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવાની યાદીમાં નરેન્દ્ર મોદી હવે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. આ યાદીમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ 16 વર્ષ અને 286 દિવસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્દિરા ગાંધી 15 વર્ષ અને 350 દિવસ સાથે બીજા સ્થાને છે. 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જ ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી સંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના નેતાઓ જનતા વચ્ચે જઈને સરકારની કલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસની સિદ્ધિઓનો પ્રચાર કરશે.
પીએમ તરીકે સૌથી વધુ સમય શાસન કરનારા નેતાઓ:
જવાહરલાલ નહેરૂ: 16 વર્ષ, 286 દિવસ
ઇન્દિરા ગાંધી: 15 વર્ષ, 350 દિવસ
નરેન્દ્ર મોદી: 12 વર્ષ, 00 દિવસ
મનમોહન સિંહ: 10 વર્ષ, 04 દિવસ
અટલ બિહારી વાજપેયી: 6 વર્ષ, 80 દિવસ
સૌથી વધુ સમય શાસન કરવાનો ઓલ-ટાઇમ રેકોર્ડ
નરેન્દ્ર મોદીએ 7 October 2001 ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના બંને કાર્યકાળને જોડીને, તેઓ ભારતમાં કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય (8997 દિવસ) શાસન કરનારા નેતા બની ગયા છે.
તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો 8930 દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પીએમ મોદી હવે ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો સર્વોચ્ચ રેકોર્ડ ધરાવે છે.






