CNG Price News: દેશભરમાં સામાન્ય નાગરિકો અને વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક પ્રહાર થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા અને ગ્લોબલ એનર્જી માર્કેટમાં ઉથલપાથલને કારણે ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે સીએનજી (CNG) ના ભાવમાં થયેલો તાજેતરનો વધારો મધ્યમ વર્ગના બજેટને ખોરવી રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં સીએનજીના ભાવમાં ત્રણ વાર વધારો કરવામાં આવ્યો છે, જેણે વાહનચાલકોની ચિંતામાં વધારો કર્યો છે.
11 દિવસમાં ₹5 નો તોતિંગ વધારો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સીએનજીના ભાવમાં કરાયેલો આ વધારો મંગળવારે સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયો છે. દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના પગલે હવે દિલ્હીમાં સીએનજીનો ભાવ ₹83.09 પ્રતિ કિલોના સ્તરે પહોંચ્યો છે. જો છેલ્લા 11 દિવસના આંકડા પર નજર કરીએ તો, 15 મેના રોજ ₹2, ત્યારબાદ શનિવારે ₹1 અને આજે ફરી ₹2 નો વધારો કરવામાં આવ્યો છે. આમ, માત્ર 11 દિવસના ટૂંકા ગાળામાં જ સીએનજી કુલ ₹5 મોંઘું થઈ ગયું છે.
આ પણ વાંચો: 27 કે 28 મે ક્યારે છે Bank Holiday? : જાણો RBI ના કેલેન્ડર અનુસાર બકરીઈદની રજા
માત્ર દિલ્હી જ નહીં, અન્ય શહેરોમાં પણ સ્થિતિ ગંભીર
CNG ના વધતા ભાવની અસર માત્ર રાજધાની દિલ્હી પૂરતી મર્યાદિત નથી. એનસીઆર (NCR) વિસ્તારની વાત કરીએ તો, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ કિંમતો વધીને ₹88.70 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. આ જ રીતે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધારો થતા તે ₹84 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સતત થઈ રહેલા આ ભાવ વધારાને કારણે ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોના વ્યવસાય પર પણ ગંભીર અસર પડી રહી છે.
પેટ્રોલ અને ડીઝલ પણ થયા મોંઘા
સીએનજી ઉપરાંત પરંપરાગત ઈંધણના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર ત્રણ દિવસ પહેલા એટલે કે ગત શનિવારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહિનાનો ત્રીજો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જેમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈંધણના ભાવમાં જે ઉછાળો આવી રહ્યો છે, તેની સીધી અસર સામાન્ય લોકોની થાળી અને મુસાફરીના ખર્ચ પર પડી રહી છે. આગામી સમયમાં જો આ જ સ્થિતિ રહી તો મોંઘવારીનો આ ગ્રાફ હજુ પણ ઉપર જઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનાં વધ્યા ભાવ: જાણો દેશનાં કયા કયા ક્ષેત્રો પર શું પડશે અસર?





