વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના નિકોલ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ પહોંચ્યા હતા. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો.
રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને કુલ ₹5477 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ત્યારબાદ સાંજે 6:38થી 7:30 સુધી કુલ 52 મિનિટ જનસભાને સંબોધન કર્યું.
વડાપ્રધાન મોદીએ સીધો ટ્રમ્પ ટેરિફનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, “ભારત આત્મનિર્ભરતાના રસ્તે આગળ વધી રહ્યું છે. દુનિયામાં આર્થિક સ્વાર્થવાળી રાજનીતિ ચાલી રહી છે. સૌ કોઈ પોતાનું કરવામાં લાગેલા છે, તેને અમે જોઈ રહ્યા છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “દબાણ ગમે એટલું આવે, ભારત તેને સહન કરવાની તાકાત વધારતું જશે.”
નાના દુકાનદારો, ખેડૂતો અને પશુપાલકોને સંદેશ આપતા કહ્યું કે, “મોદી માટે આપનું હિત સર્વોપરી છે. મોદી સરકાર ક્યારેય અહિત થવા નહીં દે.”
આ સંબોધન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર 27 ઓગસ્ટથી 50% ટેરિફ લાગુ કરવા જઈ રહ્યું છે. જોકે મોદીએ સભામાં આ મુદ્દાનો સીધો ઉલ્લેખ કર્યો નથી.






