વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. જેઓ 24 અને 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ વતન વડનગર તથા મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દ્વારા પરિવહન અને ઔદ્યોગિક ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યની ભેટ આપશે.
"મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ"નું ઉદ્ઘાટન કરશે
પ્રથમ દિવસે, વડનગર ખાતે વડાપ્રધાન "મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ"નું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક હબ મુસાફરો માટે વધુ સારો અને સરળ પ્રવાસ સુનિશ્ચિત કરશે. વિસ્તૃત સુવિધાઓ સાથે, આ હબ વડનગર તથા આસપાસના વિસ્તારોમાં પરિવહનને ઝડપી, સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનાવશે. પ્રવાસીઓ માટે ટ્રાન્સપોર્ટના ઘણા વિકલ્પો એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
નવનિર્મિત ઓટોમોબાઇલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
ત્યાર બાદ બેચરાજી ખાતે, પ્રધાનમંત્રી મારુતિ સુઝુકી કંપનીના નવનિર્મિત ઓટોમોબાઇલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ સાથે હજારો નોકરીઓ સર્જાશે અને ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ગુજરાતનું મહત્વ વધુ ઊંચું થશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં આ એક મહત્વપૂર્ણ પગલું ગણાશે.
ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે
વડાપ્રધાન રાત્રિ રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે, જ્યાં તેઓ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા તથા વિકાસ યોજના અને કાર્યોની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. પ્રધાનમંત્રીએ પોતાના વતનના પ્રવાસને રાજકીય અને વિકાસના દ્રષ્ટિકોણથી મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.






