PM Modi on Paper Leak: NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓમાં દોષિતોને કડકમાં કડક સજા મળવી જ જોઈએ અને કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ પણ પ્રકારની ઢીલ રાખશે નહીં. સાથે જ તેમણે કાયદાકીય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે દેશના અનુભવી વકીલોને પણ આગળ આવવાની અપીલ કરી હતી. NDA સંસદીય દળની બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીમોદીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું હિત સરકાર માટે સર્વોચ્ચ છે અને તેમના ભવિષ્ય સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક સમયથી NEET પરીક્ષાના પેપર લીકના આરોપોને લઈને રાજકીય વિવાદો અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રીનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
'પેપર લીક પર રાજકારણ ન કરો'
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પેપર લીકનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને તેને રાજકીય લાભ માટે ઉપયોગમાં લેવો યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકારનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા કરવાનો છે. તેમણે જણાવ્યું કે, જ્યાં જ્યાં પેપર લીકના મામલા સામે આવ્યા છે ત્યાં સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા ગુનાઓમાં સામેલ લોકોને કાયદા મુજબ સખત સજા મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
વિપક્ષ પર ભ્રમ ફેલાવવાનો આરોપ
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, NEET પરીક્ષા મુદ્દે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકાર દ્વારા પરીક્ષા પ્રક્રિયામાં ઝડપથી નિર્ણય લેવામાં આવ્યા હોવા છતાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે, NEETનું પરિણામ પણ સમયસર જાહેર કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકાર સતત કાર્યરત છે.
'બાળકોનો રાજકારણ માટે ઉપયોગ ન થવો જોઈએ'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બાળકો અને વિદ્યાર્થીઓને રાજકીય વિવાદોમાં ખેંચવા યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સૌથી મહત્વનું છે અને તેમના સપનાઓ સાથે કોઈએ રમત ન રમવી જોઈએ. તેમણે તમામ રાજકીય પક્ષોને આ મુદ્દે સંવેદનશીલતા દાખવવાની અપીલ કરતાં કહ્યું કે શિક્ષણ અને પરીક્ષા જેવી બાબતોને રાજકીય દ્રષ્ટિકોણથી નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં જોવી જોઈએ.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ખેડૂતોના હિતોની પણ ચર્ચા
NDA બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દેશના આર્થિક અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતે વિવિધ દેશો સાથે કરેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)માં ખેડૂતોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, દરેક વેપાર કરારમાં ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી દેશના કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન ન થાય અને ખેડૂતોને વૈશ્વિક બજારમાં વધુ સારી તકો મળી શકે.
પેપર લીક મુદ્દે રાજકીય ગરમાવો યથાવત
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી NEET પરીક્ષામાં પેપર લીકના આરોપોને લઈને વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર સહિત અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ ન્યાય અને પારદર્શિતાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ તેજ બન્યા છે. આવા સમયે પ્રધાનમંત્રી મોદીના નિવેદનથી સરકારનો અભિગમ વધુ સ્પષ્ટ થયો છે કે પેપર લીકના મામલામાં કડક કાર્યવાહી સાથે વિદ્યાર્થીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.






