Home National Bci Digital Ethics Guidelines Lawyers Social Media 2026

સોશિયલ મીડિયા પર વકીલો માટે BCIની કડક ડિજિટલ આચારસંહિતા : કોર્ટ રીલ્સ, AI ડીપફેક અને ભ્રામક પોસ્ટ્સ સામે કડક કાર્યવાહી

bci
Published by: Chintan Chavda
Last Updated: Jul 21, 2026, 10:53 AM IST

સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિસ્તરણ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ (BCI) વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન્સ માટે વ્યાપક ડિજિટલ આચારસંહિતા જાહેર કરી છે. 17 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રનો મુખ્ય હેતુ ન્યાયતંત્રની ગૌરવ, કોર્ટની મર્યાદા અને વકીલાત વ્યવસાયની વિશ્વસનીયતા જાળવવાનો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ માર્ગદર્શિકાનું સ્વાગત કરતાં તેના અસરકારક અમલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા વ્યાવસાયિક જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. જોકે, કાયદાકીય વ્યવસાયમાં જાહેરમાં કરવામાં આવતી દરેક રજૂઆત માત્ર વ્યક્તિગત અભિવ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ન્યાયતંત્રની પ્રતિષ્ઠા સાથે પણ જોડાયેલી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCIએ સોશિયલ મીડિયા પર જવાબદાર અને નૈતિક વર્તન માટે સ્પષ્ટ નિયમો ઘડ્યા છે.

કોર્ટ સંબંધિત રીલ્સ અને વાયરલ કન્ટેન્ટ પર નિયંત્રણ

નવી માર્ગદર્શિકા અનુસાર હવે કોર્ટ પરિસર, કોર્ટરૂમ અથવા ન્યાયિક કાર્યવાહી સંબંધિત રીલ્સ, શોર્ટ વીડિયો, સનસનીખેજ પોસ્ટ્સ અથવા લોકપ્રિયતા મેળવવાના હેતુથી બનાવવામાં આવતું ડિજિટલ કન્ટેન્ટ કડક નજર હેઠળ રહેશે. કોર્ટની કાર્યવાહીનું મનોરંજન, પ્રચાર અથવા સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાના સાધન તરીકે પ્રદર્શન કરવું વ્યાવસાયિક ગેરવર્તણૂક ગણાશે.

BCIએ સ્પષ્ટ કર્યું છે કે જજ, કોર્ટ અથવા ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી પોસ્ટ્સ, વિડિયો અથવા અન્ય કોઈપણ પ્રકારનું ડિજિટલ કન્ટેન્ટ સહન કરવામાં આવશે નહીં. આવી પ્રવૃત્તિઓ સામે એડવોકેટ્સ એક્ટ હેઠળ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: સિક્કિમમાં ટનલ દુર્ઘટનાથી હાહાકાર! : ભૂસ્ખલન બાદ 10 મૃતદેહ મળ્યા, હજુ અનેક લોકો ફસાયેલા; PM મોદી અને અમિત શાહ એક્શનમાં

AI, ડીપફેક અને નકલી કોર્ટ દસ્તાવેજો સામે ચેતવણી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને BCIએ પ્રથમ વખત AI આધારિત ભ્રામક સામગ્રી અંગે પણ સ્પષ્ટ નિયમો જાહેર કર્યા છે. AIથી તૈયાર કરાયેલી ભ્રામક તસવીરો, ડીપફેક વીડિયો, વોઇસ ક્લોનિંગ, કોર્ટ અથવા જજને લગતું ખોટું ડિજિટલ કન્ટેન્ટ તેમજ નકલી કોર્ટ આદેશો અથવા ફેક ચુકાદાઓ સોશિયલ મીડિયા પર શેર કરવા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કાયદાકીય ક્ષેત્રમાં ભ્રામક ડિજિટલ સામગ્રી માત્ર વ્યક્તિગત પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ સમગ્ર ન્યાયતંત્ર પર લોકોના વિશ્વાસને અસર કરી શકે છે. તેથી BCIએ ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો છે.

કેસ અંગે જાહેર ટિપ્પણી અને ગોપનીયતા અંગે સ્પષ્ટ નિયમો

માર્ગદર્શિકા મુજબ કોઈપણ વકીલ ચાલુ કેસ અંગે એવી જાહેર ટિપ્પણી કરી શકશે નહીં જેનાથી કેસની સુનાવણી અથવા ન્યાયિક પ્રક્રિયા પ્રભાવિત થવાની શક્યતા ઊભી થાય. ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં સોશિયલ મીડિયા પર વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરતી વખતે પણ વિશેષ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

તે ઉપરાંત ક્લાયન્ટની ગોપનીય માહિતી, કેસ સંબંધિત દસ્તાવેજો અથવા કોર્ટની પરવાનગી વિના કોઈપણ સંવેદનશીલ માહિતી જાહેર કરવી ગંભીર શિસ્તભંગ માનવામાં આવશે. વકીલ અને ક્લાયન્ટ વચ્ચેનો વિશ્વાસ જાળવવો એ વકીલાત વ્યવસાયનો મૂળભૂત સિદ્ધાંત હોવાથી ગોપનીયતાના નિયમોનું પાલન ફરજિયાત ગણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલું શોપિંગ કોમ્પ્લેક્સ 2 વર્ષથી બંધ : દુકાનો તૈયાર છતાં કેમ નથી થતી હરાજી?

નવા વકીલો અને વિદ્યાર્થીઓ માટે એફિડેવિટની ભલામણ

BCIએ ભવિષ્યના કાનૂની વ્યવસાયમાં પણ જવાબદાર ડિજિટલ વર્તન વિકસે તે માટે મહત્વપૂર્ણ ભલામણ કરી છે. નવા વકીલોના એનરોલમેન્ટ તેમજ કાયદાના વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરશે તે અંગે એફિડેવિટ લેવાની ભલામણ કરવામાં આવી છે.

આ પહેલનો હેતુ કારકિર્દીની શરૂઆતથી જ વ્યાવસાયિક જવાબદારી અને ડિજિટલ નૈતિકતાની સમજ વિકસાવવાનો છે, જેથી સોશિયલ મીડિયા પર બેદરકારીપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિઓથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચે.

ગુજરાત બાર કાઉન્સિલે અમલ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે BCIની આ માર્ગદર્શિકા સમયની જરૂરિયાત છે. તેમના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર કોર્ટ, જજ અથવા ન્યાયિક પ્રક્રિયા અંગે ભ્રામક, અપમાનજનક અથવા ગેરજવાબદાર કન્ટેન્ટ શેર કરનાર વકીલો સામે એડવોકેટ્સ એક્ટ હેઠળ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યમાં આ માર્ગદર્શિકાના અસરકારક અમલ માટે પ્રતિબદ્ધ છે અને તમામ વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ તથા ઇન્ટર્ન્સને તેનો કડક પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'સરકારે વિદ્યાર્થીઓની માફી પણ નથી માંગી...' : CJP ની સંસદ કૂચ અને NEET પેપર લીક પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

રાજ્ય બાર કાઉન્સિલોમાં બનશે ડિજિટલ એથિક્સ કમિટી

BCIએ તમામ રાજ્ય બાર કાઉન્સિલોને ડિજિટલ એથિક્સ કમિટી રચવાના નિર્દેશ આપ્યા છે. આ કમિટી સોશિયલ મીડિયા સંબંધિત ફરિયાદોની તપાસ કરશે અને જરૂરી જણાય ત્યારે શિસ્તભંગની કાર્યવાહી માટે ભલામણ કરશે.

ડિજિટલ માધ્યમોના વધતા ઉપયોગ વચ્ચે આવી વિશેષ સમિતિની રચના દ્વારા ફરિયાદોના ઝડપી અને વ્યવસ્થિત નિરાકરણનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ વકીલાત વ્યવસાયમાં ડિજિટલ આચારસંહિતાનું અસરકારક પાલન થાય તેની પણ દેખરેખ રાખવામાં આવશે.

BCIની નવી ડિજિટલ આચારસંહિતા ટેક્નોલોજી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ અધિકાર સાથે વ્યાવસાયિક જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ન્યાયતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને કોર્ટની ગૌરવને કોઈ આંચ ન આવે તે સુનિશ્ચિત કરવાનો આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now