Vijeta Dahiya Burger Controversy: દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે CJP (કોકરોચ જનતા પાર્ટી)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રવક્તા વિજેતા દહિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં આપવામાં આવેલા તેમના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. વધતા વિવાદ વચ્ચે પાર્ટીએ તાત્કાલિક કાર્યવાહી કરતાં વિજેતા દહિયાને પ્રવક્તા પદેથી હટાવી દીધા છે અને તેમની તમામ સત્તાવાર જવાબદારીઓ પણ પાછી ખેંચી લીધી છે. વિદ્યાર્થીઓના મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે આ વીડિયો સામે આવતાં વિરોધ આંદોલન પર પણ સવાલો ઊભા થયા હતા. CJPએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પોતાના નેતાઓ પાસેથી જવાબદાર અને સંવેદનશીલ વર્તનની અપેક્ષા રાખે છે અને સંગઠનના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધ જતું કોઈપણ વર્તન સ્વીકાર્ય નથી.
શું હતું 'બર્ગર' નિવેદન, જેના કારણે શરૂ થયો વિવાદ?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિજેતા દહિયા બર્ગર ખાવાને લઈને પૂછાયેલા સવાલનો જવાબ આપતા જોવા મળે છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, "મેં બર્ગર કેમ ખાધું? કોઈપણ વ્યક્તિને ભૂખ લાગી હોય કે બર્ગર ખાવાનું મન થાય તો તે બર્ગર ખાય. શું હું કોઈ નોકરી કરું છું કે દરેક બાબત માટે જવાબ આપવો પડે? હું દેશ માટે મારી ઇચ્છાથી કામ કરું છું અને કોઈનો જવાબદાર નથી. હું બર્ગર ખાઈશ." તેમણે વધુમાં એવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આંદોલન સાથે જોડાયેલા કાર્યકરો અને સમર્થકો પ્રત્યે અસંવેદનશીલ ગણાવ્યા.
આ પણ વાંચો: 'PM મોદી વિદ્યાર્થીઓને મળે અને તેમની વાત સાંભળે' : NEET વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીની મોટી અપીલ
સોશિયલ મીડિયા પર ભારે ટીકા
વીડિયો વાયરલ થયા બાદ X, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતા દહિયાની ટીકા શરૂ થઈ ગઈ. ઘણા યુઝર્સે કહ્યું કે, જ્યારે સંગઠનના કાર્યકરો રસ્તા પર સંઘર્ષ કરી રહ્યા હોય અને પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા હોય ત્યારે પાર્ટીના પ્રવક્તા તરફથી આવી ટિપ્પણી યોગ્ય ગણાવી શકાય નહીં. કેટલાક લોકોએ આ નિવેદનને આંદોલનની ભાવના વિરુદ્ધ હોવાનું પણ જણાવ્યું. જોકે, કેટલાક લોકોએ એવો મત પણ વ્યક્ત કર્યો કે, વ્યક્તિગત જીવનને લઈને પ્રશ્નો ઉઠાવવાને બદલે મુખ્ય મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. જોકે, વિવાદ સતત વધતો રહ્યો.
CJPએ લીધો કડક નિર્ણય
વિવાદ વધ્યા બાદ CJPએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર નિવેદન જાહેર કરીને વિજેતા દહિયાના વર્તનની નિંદા કરી. પાર્ટીએ જણાવ્યું કે, જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો અને સભ્યો પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે વાયરલ થયેલા વીડિયો અને તેમાં આપવામાં આવેલા નિવેદનો અત્યંત અસંવેદનશીલ હતા. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે, આવું વર્તન સંગઠનના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે મેળ ખાતું નથી.
પ્રવક્તા પદેથી હટાવ્યા, તમામ જવાબદારીઓ પણ છીનવી
CJPએ જાહેરાત કરી કે વિજેતા દહિયાને તાત્કાલિક અસરથી પ્રવક્તા પદેથી હટાવવામાં આવ્યા છે. સાથે જ તેમની પાસે રહેલી તમામ સત્તાવાર જવાબદારીઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. પાર્ટીએ જણાવ્યું કે, સંગઠનમાં જવાબદારી અને શિસ્ત જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: PM આવાસ પાસે રાહુલ-પ્રિયંકા સહિત નેતાઓ ધરણા પર : રાજધાની દિલ્હીમાં હવે વધુ ગરમાયો મામલો
વિરોધ પ્રદર્શન વચ્ચે વધ્યો રાજકીય વિવાદ
દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને અન્ય સંગઠનોના વિરોધ પ્રદર્શન ચાલુ છે. આવા સમયે પાર્ટીના પ્રવક્તાના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદે રાજકીય ચર્ચાને વધુ ગરમાવી છે. આગામી દિવસોમાં વિજેતા દહિયા આ સમગ્ર વિવાદ પર કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં અને પાર્ટી તરફથી વધુ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.






