ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર (India-US Trade Deal)ને લઈને ખેડૂતોનો વિરોધ વધુ તેજ બનતો જઈ રહ્યો છે. આ મુદ્દે આજે દિલ્હીના કિસાન ઘાટ ખાતે દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો એકત્રિત થઈ કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવશે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે જો આ વેપાર કરાર અમલમાં આવશે તો ભારતના કૃષિ ક્ષેત્ર, ડેરી ઉદ્યોગ, પશુપાલકો, નાના વેપારીઓ અને ગ્રામ્ય અર્થતંત્ર પર તેની લાંબા ગાળાની ગંભીર અસર પડી શકે છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, સસ્તા કૃષિ ઉત્પાદનોની આયાતને મંજૂરી મળવાથી ભારતીય ખેડૂતો માટે સ્થાનિક બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની જશે. પરિણામે કૃષિ ઉપજના ભાવ પર દબાણ વધશે, ખેડૂતોની આવકમાં ઘટાડો થશે અને કૃષિ આધારિત લાખો પરિવારોની આજીવિકા પર સીધી અસર પડશે. આ મુદ્દે ખેડૂતો સરકાર પાસે કરારને તાત્કાલિક સ્થગિત અથવા રદ કરવાની માંગ કરી રહ્યા છે.
'દેશ બચાવો મોરચા'ના બેનર હેઠળ યોજાશે રેલી
આ વિરોધ પ્રદર્શન 'દેશ બચાવો મોરચા'ના બેનર હેઠળ યોજાઈ રહ્યું છે. કિસાન મજૂર મોરચાના નેતા સરવન સિંહ પંધેરે જણાવ્યું કે પંજાબના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો આજે દિલ્હી પહોંચશે. તેમની સાથે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પણ જોડાશે. ખેડૂતોનું કહેવું છે કે, આ માત્ર એક રાજ્યનો પ્રશ્ન નથી પરંતુ સમગ્ર દેશના કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. તેથી દેશભરના ખેડૂતોને એક મંચ પર લાવી સરકાર સુધી પોતાની ચિંતાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ફરી તણાવની આશંકા! : આજે પણ સંસદ તરફ કૂચ કરશે CJP, જંતર-મંતર પર મોડી રાતથી ફરી ધરણાં શરૂ
માત્ર કૃષિ નહીં, અનેક ક્ષેત્રો પર પડી શકે અસર
ખેડૂત સંગઠનોનો દાવો છે કે ભારત-અમેરિકા વેપાર કરાર માત્ર કૃષિ ઉત્પાદનો પૂરતો મર્યાદિત નહીં રહે. તેમના મતે આ કરારમાં કૃષિ ઉપરાંત ડેરી ક્ષેત્ર, ઔદ્યોગિક ઉત્પાદનો, ડિજિટલ ટ્રેડ, ઈ-કોમર્સ, સરકારી ખરીદી, બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) અને સેવા ક્ષેત્ર જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓનો પણ સમાવેશ થઈ શકે છે. Bખેડૂતોને ભય છે કે, આવા કરારોથી મોટા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોને ભારતીય બજારમાં વધુ સરળ પ્રવેશ મળશે, જેના કારણે સ્થાનિક ઉત્પાદકો અને નાના વેપારીઓ માટે પડકારો વધી શકે છે. ખાસ કરીને ડેરી ક્ષેત્રમાં વિદેશી ઉત્પાદનોની સ્પર્ધા ભારતીય દૂધ ઉત્પાદકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ખેડૂતોની મુખ્ય માંગ શું છે?
ખેડૂત સંગઠનો કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે ભારત-અમેરિકા વચ્ચેના પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. તેમનું કહેવું છે કે સરકાર કોઈપણ વેપાર કરાર કરતા પહેલાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને સંબંધિત હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરે. ખેડૂતોનું માનવું છે કે, જો કૃષિ ક્ષેત્રના હિતોને અવગણીને કરાર કરવામાં આવશે તો તેની સીધી અસર દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર પડશે. તેથી સરકારે દેશના કૃષિ હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.
પંજાબમાં અગાઉ પણ થઈ ચૂક્યા છે વિરોધ પ્રદર્શન
ભારત-અમેરિકા વેપાર કરારને લઈને પંજાબના અનેક ખેડૂત સંગઠનો છેલ્લા કેટલાક સમયથી સતત વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ વિવિધ જિલ્લાઓમાં મોટરસાયકલ રેલીઓ, દેખાવો અને વિરોધ કાર્યક્રમો યોજીને ખેડૂતો આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, આંદોલનનો હેતુ સરકાર પર દબાણ બનાવવાનો છે જેથી વેપાર કરાર અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં ખેડૂતોની ચિંતાઓને ગંભીરતાથી સાંભળવામાં આવે. આજની દિલ્હીની રેલીને પણ આ જ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ચઢાવા ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય! : હવે દર મહિને વેબસાઇટ પર જાહેર થશે ઓડિટ રિપોર્ટ
વેપાર કરાર અંગે ચર્ચા કેમ વધી?
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વ્યાપક વેપાર કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને બજાર સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, કરારની અંતિમ શરતો જાહેર થઈ નથી. આવી સ્થિતિમાં વિવિધ ખેડૂત સંગઠનો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો કૃષિ ક્ષેત્રને વધુ ખુલ્લું મૂકવામાં આવશે તો વિદેશી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં વધુ પ્રમાણમાં પ્રવેશી શકે છે. સરકાર તરફથી હજુ સુધી આ મુદ્દે ખેડૂતોની તમામ આશંકાઓ અંગે કોઈ અંતિમ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ, ખેડૂત સંગઠનો પોતાની માંગ પર અડગ રહી દેશવ્યાપી વિરોધને વધુ મજબૂત બનાવવાના સંકેત આપી રહ્યા છે.






