Home National Sonam Raghuvanshi Supreme Court Surrender Bail Warning

'સરેન્ડર કરો, નહીં તો જામીન રદ કરી દઈશું'... : સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી, આપ્યા બે વિકલ્પ

Raja Raghuvanshi Murder Case Sonam Raghuvanshi Supreme Court
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 10:48 AM IST

Raja Raghuvanshi Murder Case Sonam Raghuvanshi Supreme Court: રાજા રઘુવંશીની કથિત હત્યાના કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સોનમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તે સ્વેચ્છાએ આત્મસમર્પણ નહીં કરે તો કોર્ટ તેની જામીન રદ કરવા અંગે વિચાર કરશે. સર્વોચ્ચ અદાલતની આ કડક ટિપ્પણી બાદ કેસે ફરી એકવાર દેશભરમાં ચર્ચા જગાવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષીઓના નિવેદનો નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ન્યાયિક પ્રક્રિયાને અસર ન થાય તે માટે સોનમ માટે આત્મસમર્પણ કરવું વધુ યોગ્ય રહેશે. કોર્ટે એમ પણ સંકેત આપ્યો કે, જો સોનમ સરેન્ડર કરશે તો ત્યારબાદ તેની જામીન અરજી પર ફરીથી વિચાર કરવામાં આવી શકે છે. બીજી તરફ મેઘાલય સરકારે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતા દલીલ કરી કે કાયદાકીય પ્રક્રિયામાં થયેલી ટાઈપિંગની ભૂલનો ખોટો લાભ લઈને જામીન મેળવવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આપ્યા બે સ્પષ્ટ વિકલ્પ

ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ પી.બી. વરાલેની ખંડપીઠે સુનાવણી દરમિયાન સોનમ રઘુવંશીના વકીલને કહ્યું કે, તેમની ક્લાયન્ટ સમક્ષ બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે, કોર્ટ કેસના ગુણદોષના આધારે સીધો નિર્ણય આપે. બીજો વિકલ્પ એ છે કે સોનમ ટ્રાયલ કોર્ટમાં સાક્ષીઓના નિવેદનો પૂર્ણ થાય ત્યાં સુધી આત્મસમર્પણ કરે અને ત્યારબાદ તેની જામીન અંગે ફરીથી વિચાર કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, "અમે તમને આશ્ચર્યમાં મૂકવા માંગતા નથી. બીજો વિકલ્પ તમારા માટે વધુ યોગ્ય હોઈ શકે."

'આટલી લાંબી દલીલોની જરૂર નથી'

સુનાવણી દરમિયાન સોનમના વકીલે દલીલ કરી હતી કે, હાઈકોર્ટે જામીન આપતી વખતે તેમને શિલોંગમાં રહેવા અને દરરોજ ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવાની કડક શરતો મૂકી છે. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવશે, પરંતુ હાલ સૌથી મહત્વનો પ્રશ્ન આત્મસમર્પણનો છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે જો સોનમ વધુ દલીલો કરવા માંગે તો કોર્ટ સાંભળવા તૈયાર છે, પરંતુ યોગ્ય નિર્ણય લેવો વધુ જરૂરી છે. કોર્ટે સોનમને ગુરુવાર સુધીમાં જણાવવાનું કહ્યું છે કે, તે આત્મસમર્પણ કરવા તૈયાર છે કે નહીં.

આ પણ વાંચો: PM આવાસ પાસે રાહુલ-પ્રિયંકા સહિત નેતાઓ ધરણા પર : રાજધાની દિલ્હીમાં હવે વધુ ગરમાયો મામલો

સોલિસિટર જનરલ તુષાર મહેતાની કડક દલીલો

મેઘાલય સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે સોનમને પોતાની ધરપકડનું કારણ સંપૂર્ણપણે ખબર હતી. તેમણે જણાવ્યું કે આ કેસ જામીન રદ કરવાનો નહીં પરંતુ જામીન આપવાના નિર્ણયને પડકારવાનો છે. તેમણે આરોપ મૂક્યો કે,સોનમે પોતાના કથિત પ્રેમી રાજ કુશવાહા અને અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને મેઘાલયમાં હનીમૂન દરમિયાન પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું રચ્યું હતું. તપાસ મુજબ રાજાને એકાંત વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરીને મૃતદેહ ખીણમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

Image

ટાઈપિંગની ભૂલથી મળ્યા જામીન?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે કેસ ડાયરીમાં ભારતીય ન્યાય સંહિતાની હત્યા સંબંધિત કલમ 103ના બદલે ભૂલથી 403 લખાઈ ગઈ હતી. તેમના જણાવ્યા મુજબ, આ માત્ર ટાઈપિંગની ભૂલ હતી, પરંતુ આ જ મુદ્દાને આધારે સોનમે મેઘાલય હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા. મહેતાએ દલીલ કરી કે સોનમે અગાઉની કોઈપણ અરજીમાં એવો દાવો કર્યો નહોતો કે તેને ધરપકડના કારણોની જાણ કરવામાં આવી નથી. આ મુદ્દો ખૂબ મોડા તબક્કે ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 22(1)નો હેતુ મનસ્વી ધરપકડ અટકાવવાનો છે, પરંતુ આ કેસમાં આરોપીને ધરપકડનું કારણ ખબર ન હતું એવો દાવો હકીકતો સાથે મેળ ખાતો નથી.

આ પણ વાંચો: સિક્કિમમાં ટનલ દુર્ઘટનાથી હાહાકાર! : ભૂસ્ખલન બાદ 10 મૃતદેહ મળ્યા, હજુ અનેક લોકો ફસાયેલા; PM મોદી અને અમિત શાહ એક્શનમાં

હવે શું થશે?

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીને આત્મસમર્પણ અંગે પોતાનો નિર્ણય જણાવવા માટે સમય આપ્યો છે. જો તે સરેન્ડર નહીં કરે તો કોર્ટ તેની જામીન રદ કરવા અંગે વિચાર કરી શકે છે. હવે સમગ્ર કેસમાં આગામી સુનાવણી પર સૌની નજર રહેશે, કારણ કે સોનમનો નિર્ણય તેના જામીન અને આગળની કાનૂની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now