પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમની 124મી કડીમાં દેશના નાગરિકોને સંબોધિત કર્યા હતા. સંસદના ચાલુ ચોમાસુ સત્ર વચ્ચે થયું આ સંબોધન અનેક મહત્ત્વના મુદ્દાઓથી ભરેલું રહ્યું.
અવકાશ યાત્રાની ઉજવણી: શુભાંશુ શુક્લાની વાપસી પર પીએમ મોદીનું વખાણ
પ્રધાનમંત્રીએ અવકાશ યાત્રા પરથી પાછા આવેલા યુવાન વૈજ્ઞાનિક શુભાંશુ શુક્લાની સફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “શુભાંશુની વાપસીથી સમગ્ર દેશમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. ચંદ્રયાન-3 પછી દેશમાં વિજ્ઞાન અને અવકાશમાં રુચિ વધી છે.”
તેમણે ‘INSPIRE MANAK’ અભિયાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓમાં નવીન વિચારોની સંખ્યા બે ગણી વધી છે.
23 ઓગસ્ટે ઉજવાશે રાષ્ટ્રીય અવકાશ દિવસ
પીએમ મોદીએ શ्रोतાઓને યાદ અપાવ્યું કે આવતા મહિને 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ છે. નાગરિકોને “નમો ભારત” એપ પર સંદેશ મોકલીને આ દિવસે કેવી રીતે ઉજવણી કરવી તે જણાવવા અપીલ કરવામાં આવી.
યુનેસ્કો દ્વારા 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ ધરોહરનો દરજ્જો
પીએમ મોદીએ જણાવ્યું કે યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ ધરોહર તરીકે માન્યતા આપી છે.
મહારાષ્ટ્રના 11 અને તમિલનાડુના 1 કિલ્લાનો સમાવેશ થાય છે. “દરેક કિલ્લો ઈતિહાસની અનોખી કહાણી કહી રહ્યો છે,” તેમ પીએમએ કહ્યું અને નાગરિકોને આ કિલ્લાઓની મુલાકાત લેવાની અપીલ કરી.
ખુદીરામ બોઝના બલિદાનને યાદ કર્યું
પ્રધાનમંત્રીએ ખુદીરામ બોઝના બલિદાનને યાદ કરતા કહ્યું, “11 ઓગસ્ટ 1908ના રોજ મુઝફ્ફરપુરમાં 18 વર્ષના ખુદીરામ બોઝને અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી. તેઓ દેશ માટે શહીદ થયા, તેમનો સાહસ ભારતના યુવાનો માટે પ્રેરણારૂપ છે.”
ઓગસ્ટ મહિનો: દેશના ઈતિહાસમાં ક્રાંતિનો સમય
પીએમ મોદીએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનો દેશના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
તેમણે કેટલાક મહત્વપૂર્ણ દિવસોનું પણ ઉલ્લેખ કર્યો:
1 ઓગસ્ટ: લોકમાન્ય બાલ ગંગાધર તિલક પુણ્યતિથિ
7 ઓગસ્ટ: નેશનલ હેન્ડલૂમ ડે (10 વર્ષ)
8 ઓગસ્ટ: ભારત છોડો આંદોલનની શરૂઆત
14 ઓગસ્ટ: ભાગલા સ્મૃતિ દિવસ
15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ
જનતા સાથે સંવાદ માટે અપીલ
અંતે પીએમ મોદીએ દેશવાસીઓને આગ્રહપૂર્વક કહ્યું કે તેઓ પોતાના વિચારો, કથાઓ અને યોજનાઓ “નમો ભારત” એપ દ્વારા મોકલે. “આજનું ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. આપણા યુવાનો જ ભવિષ્યના નાયક બનશે,” એમ તેમણે કહ્યું.





