Home National Pm Modi Inaugurates Asias Longest Wildlife Corridor Worth Rs 12000 Crore

દિલ્હીથી દેહરાદૂન હવે માત્ર 2.5 કલાકમાં : PM મોદીએ સમર્પિત કર્યો રૂ.12,000 કરોડનો હાઇ-ટેક એક્સપ્રેસ-વે, જે છે એશિયાના સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર

Asias Longest Elevated Corridor PM Modi
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 09:05 AM IST

Delhi Dehradun Expressway: ભારત સરકારના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિઝન 'નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' હેઠળ આજે ઉત્તર ભારતને કનેક્ટિવિટીની મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. ₹12,000 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો આ સિક્સ-લેન એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અંતરને ઓછું કરવા ઉપરાંત પર્યટન અને વેપારના નવા દ્વાર ખોલશે. આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે વન્યજીવોના રક્ષણ સાથે વિકાસને સાંકળે છે, જે અંતર્ગત એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઈલ્ડલાઈફ કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે.

દિલ્હીથી દેહરાદૂન માત્ર ૨.૫ કલાકમાં: અંતર ઘટશે, સુવિધા વધશે

આ એક્સપ્રેસ-વેના લોકાર્પણ સાથે જ દિલ્હી અને દેહરાદૂન વચ્ચેની મુસાફરીમાં ક્રાંતિકારી ફેરફાર આવશે. અત્યાર સુધી આ અંતર કાપવામાં વાહનચાલકોને 6 કલાક જેટલો સમય લાગતો હતો, જે હવે ઘટીને માત્ર 2.5 કલાક થઈ જશે. પ્રોજેક્ટની ડિઝાઇનમાં 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવર બ્રિજ (ROB), 4 મોટા પુલ અને 12 વે-સાઇડ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરોની સલામતી માટે સમગ્ર માર્ગ પર અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે.

એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર: પર્યાવરણ અને વિકાસનો સમન્વય

આ એક્સપ્રેસ-વે માત્ર કોંક્રિટનું માળખું નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક છે. રાજાજી નેશનલ પાર્કમાંથી પસાર થતા આ માર્ગ પર ૧૨ કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે, જે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ એલિવેટેડ કોરિડોર છે. વન્યજીવોની મુક્ત અવરજવર માટે હાથીઓ માટે 200 મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 વિશેષ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. પહાડી પર્યાવરણને જાળવી રાખવા માટે દાત કાલી મંદિર પાસે 370 મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

PM મોદીએ દાત કાલી મંદિરમાં કરી પૂજા અને કોરિડોરનું નિરીક્ષણ

લોકાર્પણ સમારોહ પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ આ પ્રોજેક્ટની પર્યાવરણીય ખાસિયતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સહારનપુર (UP) ખાતે વાઈલ્ડલાઈફ કોરિડોરની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સવારે 11.40 વાગ્યે તેમણે દેહરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય મા દાત કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. બપોરે 12.30 વાગ્યે દેહરાદૂનમાં આયોજિત ભવ્ય સમારોહમાં તેમણે રિબન કાપી આ એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કર્યો હતો.

આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી : PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત મહાનુભાવોએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

હરિદ્વાર-ઋષિકેશ જવું થશે સરળ, ઉત્તરાખંડના પર્યટનને મળશે વેગ

આ આર્થિક કોરિડોર શરૂ થવાથી ઉત્તરાખંડના પર્યટન ઉદ્યોગને પાંખો મળશે. હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પહોંચવું હવે પ્રવાસીઓ માટે અત્યંત સરળ અને ઝડપી બનશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારી અને વેપારમાં વધારો થવાની સાથે જ ઉત્તર ભારતની આર્થિક ગતિવિધિઓને મોટું બળ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now