Subsidy will be available on purchasing EVs : રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની આગેવાની હેઠળની કેબિનેટે સોમવારે દિલ્હીની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નીતિ હેઠળ દિલ્હીમાં રહેતા અને વાહન ખરીદવા ઈચ્છતા લોકોને સરકાર તરફથી મોટી આર્થિક રાહત મળવા જઈ રહી છે. જો તમે પણ આગામી સમયમાં નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ નીતિ તમારા માટે બચતની મોટી તક લઈને આવી છે.
નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ શું છે?
દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને ઝડપથી વધારવા માટે આ નવી નીતિ રજૂ કરવામાં આવી છે. કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ હવે આ પોલિસીને અંતિમ મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુ પાસે મોકલવામાં આવી છે. સરકાર આ નીતિને 1 જુલાઈ 2026થી સમગ્ર દિલ્હીમાં લાગુ કરવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂકી છે. આ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ 31 માર્ચ 2030 સુધી એટલે કે આગામી ચાર વર્ષ સુધી અમલમાં રહેશે, જે અંતર્ગત ગ્રાહકોને વિવિધ વાહનોની ખરીદી પર બમ્પર સબસિડી અને પ્રોત્સાહનો આપવામાં આવશે.
આ પણ ખાસ વાંચો : ડાન્સ, પૂલ પાર્ટી અને પછી મોત : 4 ફૂટ ઊંડા પૂલમાં ઊંચાઈ પરથી કૂદકો મારતા યુવકે ગુમાવ્યો જીવ
સરકારનું બજેટ અને આયોજન
દિલ્હી સરકાર આ નવી નીતિને સફળ બનાવવા અને લોકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળવા માટે કુલ 15,000 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કરવા જઈ રહી છે. આ ભંડોળનો ઉપયોગ બે મુખ્ય ભાગમાં કરવામાં આવશે. બજેટમાંથી 7,000 કરોડ રૂપિયા આગામી 4 વર્ષમાં વાહન ખરીદનારાઓને સીધી સબસિડી આપવા માટે વાપરવામાં આવશે. જ્યારે બાકીના 8,000 કરોડ રૂપિયા દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી માળખાગત સુવિધાઓ એટલે કે ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને મજબૂત કરવા અને ગ્રાહકોને ટેક્સમાં રાહત આપવા માટે ખર્ચવામાં આવશે.
ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર સબસિડી
આ નીતિમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વાહન ચાલકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો તમે નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર એટલે કે સ્કૂટર કે બાઇક ખરીદો છો, તો તમને પ્રથમ વર્ષે 30,000 રૂપિયા, બીજા વર્ષે 20,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 10,000 રૂપિયાની સબસિડી મળશે. તેવી જ રીતે, થ્રી-વ્હીલર અથવા ઓટોરિક્ષા ખરીદનારાઓને પ્રથમ વર્ષે 50,000 રૂપિયા, બીજા વર્ષે 30,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 20,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત, કોમર્શિયલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક ટ્રક ખરીદવા પર પ્રથમ વર્ષે સીધી 1,00,000 રૂપિયાની મોટી છૂટ મળશે.
કાર ખરીદનારાઓ માટે આકર્ષક ઑફર
જો તમે પોતાના પરિવાર માટે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ નીતિ તમારા ખિસ્સાનો બોજ હળવો કરશે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, 30 લાખ રૂપિયાથી ઓછી કિંમતની કોઈપણ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર કાર ખરીદવા પર ગ્રાહકોને 1,00,000 રૂપિયાનું સીધું પ્રોત્સાહન આપવામાં આવશે. આટલું જ નહીં, જો તમારી પાસે જૂની BS-IV કે તેનાથી ઓછી ક્ષમતાવાળું એન્જિન ધરાવતી કાર હોય અને તમે તેને ભંગાર એટલે કે સ્ક્રેપમાં આપીને નવી ઇલેક્ટ્રિક કાર ખરીદો છો, તો પણ તમને 1,00,000 રૂપિયાની સબસિડીનો લાભ મળશે. જોકે, હાઇબ્રિડ વાહનો ખરીદવા પર કોઈ સબસિડી મળશે નહીં.
આ પણ ખાસ વાંચો : Tataની આઇકોનિક Sierra SUVનો નવો ઇલેક્ટ્રિક અવતાર : 600 કિમી રેન્જ, AWD અને પ્રીમિયમ ફીચર્સ સાથે આવતીકાલે લોન્ચ થશે લોન્ચ
પેટ્રોલ-ડીઝલ વાહનો પર કડક નિયમો
દિલ્હી સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય પરંપરાગત ઇંધણ આધારિત વાહનોને ધીમે-ધીમે બંધ કરવાનો છે, તેથી પેટ્રોલ કે ડીઝલ પર ચાલતા વાહનોને આ નીતિમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ સેક્ટરને પ્રદૂષણ મુક્ત કરવા માટે આ એક મજબૂત રોડમેપ છે. આ નીતિ હેઠળ, 1 જાન્યુઆરી 2027 પછી દિલ્હીમાં માત્ર ઈ-રિક્ષાઓનું જ નવું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ ઉપરાંત, એક મોટો નિર્ણય લેતા સરકારે જાહેર કર્યું છે કે 1 એપ્રિલ 2028 પછી પેટ્રોલ અને CNG પર ચાલતા ટુ-વ્હીલર વાહનોનું નવું રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
દિલ્હીમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ
ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યા પછી લોકોને ચાર્જિંગની ચિંતા ન થાય તે માટે સરકારે અગાઉથી જ મોટું આયોજન કરી લીધું છે. હાલના સમયમાં દિલ્હીમાં 1919 ચાર્જિંગ સ્ટેશન અને 2452 ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત છે. પરંતુ નવી નીતિ અંતર્ગત સરકારે આગામી સમયમાં રેકોર્ડબ્રેક 32,000 નવા ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ માટે જરૂરી જમીન પણ નક્કી કરી લેવામાં આવી છે. આગામી 4 વર્ષમાં ચાર્જિંગ માળખાને એટલું મજબૂત કરવામાં આવશે કે વાહન ચાલકો ગમે ત્યાં સરળતાથી પોતાનું વાહન ચાર્જ કરી શકશે.





