Home Automobile Gujarat Electric Vehicle Sales Growth Pm Modi Ev Subsidy 2026

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો : PM મોદીની અપીલ અને સરકારની રાહત યોજનાઓથી વેચાણમાં જંગી ઉછાળો

Electric Vehicles, EV Gujarat, PM Modi
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2026, 05:18 PM IST

દેશમાં ગ્રીન એનર્જી અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ઈલેક્ટ્રિક વાહનો (EV) પ્રત્યે લોકોનો ઝુકાવ સતત વધી રહ્યો છે. ખાસ કરીને વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાં ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટરના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી, રોડ ટેક્સમાં છૂટ, ઓછી નોંધણી ફી અને પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચને કારણે ગ્રાહકો હવે પરંપરાગત વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનોને વધુ પસંદ કરી રહ્યા છે. મે 2026 દરમિયાન રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં લગભગ 55 ટકાનો વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે, જે ગ્રીન મોબિલિટી તરફ વધી રહેલા પરિવર્તનનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.

સરકારની સબસિડી અને ટેક્સમાં રાહતથી વધી માંગ

ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓના કારણે ઈલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકોને નોંધપાત્ર આર્થિક લાભ મળી રહ્યો છે. વાહનના પ્રકાર અનુસાર ગ્રાહકોને અંદાજે 30 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ઉપરાંત, સામાન્ય કારની સરખામણીએ ઈલેક્ટ્રિક કાર માટે RTO નોંધણી ફી ઘણી ઓછી છે. જ્યાં સામાન્ય કાર માટે નોંધણી ખર્ચ લગભગ 60 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે, ત્યાં ઈલેક્ટ્રિક કાર માટે આ ખર્ચ આશરે 10 હજાર રૂપિયા સુધી મર્યાદિત છે. અનેક મહાનગરપાલિકા વિસ્તારોમાં રોડ ટેક્સ સંપૂર્ણપણે માફ કરીને માત્ર ટોકન ફી લેવામાં આવે છે, જેના કારણે ગ્રાહકો માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદવું વધુ આકર્ષક બની રહ્યું છે.

બજારમાં વધી રહ્યા છે નવા વિકલ્પો

થોડાં વર્ષો પહેલાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હતા, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. લગભગ તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિક મોડલ બજારમાં ઉતાર્યા છે. ગ્રાહકોને હવે અલગ-અલગ બજેટ, લાંબી ડ્રાઇવિંગ રેન્જ, આધુનિક ટેક્નોલોજી અને નવી સુવિધાઓ સાથે અનેક વિકલ્પો મળી રહ્યા છે. કંપનીઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના કારણે કિંમતોમાં સંતુલન આવ્યું છે અને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ સાથે વાહનો ઉપલબ્ધ થઈ રહ્યા છે.

લોકોની વિચારસરણીમાં આવી રહ્યો છે મોટો બદલાવ

ઈલેક્ટ્રિક વાહનોને લઈને લોકોમાં જાગૃતિ પણ સતત વધી રહી છે. ખરીદદારોનું માનવું છે કે ઈલેક્ટ્રિક વાહનો માત્ર પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચમાંથી રાહત આપતા નથી પરંતુ પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા લોકો હવે પોતાના ઘરોમાં લગાવવામાં આવેલા સોલાર પેનલ દ્વારા વાહન ચાર્જ કરીને ઇંધણ ખર્ચમાં વધુ બચત કરી રહ્યા છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની અપીલ અને સરકારની નવી નીતિઓ બાદ ઈલેક્ટ્રિક વાહનો અંગે પૂછપરછમાં 200થી 300 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

ગ્રીન મોબિલિટી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ગુજરાત

તાજેતરના નોંધણીના આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત હવે ઈલેક્ટ્રિક વાહન અપનાવવામાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ થઈ રહ્યું છે. ગયા વર્ષે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 5,545 ઈલેક્ટ્રિક વાહનોનું નોંધણી થઈ હતી, ત્યાં આ વર્ષે માત્ર પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ 8,577થી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું નોંધણી થઈ ચૂક્યું છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશન પ્રત્યે લોકોનો વિશ્વાસ ઝડપથી વધી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે

ઈલેક્ટ્રિક વાહનોનો વધતો ઉપયોગ માત્ર ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો કરશે એટલું જ નહીં પરંતુ દેશની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ બનશે. ઉપરાંત કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી હવાની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને ગ્રીન એનર્જી, સ્વચ્છ પરિવહન અને ટકાઉ વિકાસના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now