Kashmiri Pandit Sarla Bhat Murder Case: કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના મોટા પાયે થયેલા વિસ્થાપન સાથે જોડાયેલા સૌથી ચર્ચિત અને દુઃખદ કેસોમાંથી એક એવા સરલા ભટ હત્યાકાંડમાં 36 વર્ષ બાદ મોટો વળાંક આવ્યો છે. જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટમાં 737 પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં જેલમાં સજા ભોગવી રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના પૂર્વ વડા યાસીન મલિકને આ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો છે. ચાર્જશીટ મુજબ, વર્ષ 1990માં કાશ્મીરના અત્યંત અશાંત સમયગાળા દરમિયાન SKIMS હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય સરલા ભટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને યાતનાઓ આપવામાં આવી હતી અને અંતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તપાસ એજન્સીનો દાવો છે કે આ હત્યા કોઈ એકલદોકલ ઘટના નહોતી, પરંતુ કાશ્મીરી પંડિત સમુદાયમાં ભય ફેલાવી તેમના સામૂહિક વિસ્થાપનને વેગ આપવા માટે રચાયેલા મોટા ષડ્યંત્રનો ભાગ હતી.
18 એપ્રિલ 1990નો કાળો દિવસ
ચાર્જશીટ અનુસાર, 18 એપ્રિલ 1990ના રોજ સરલા ભટને શ્રીનગર સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS) નજીકથી અપહરણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ઇલાહીબાગ-લાલ બજાર વિસ્તાર તરફ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો, યાતનાઓ આપવામાં આવી અને બાદમાં ઓટોમેટિક રાઇફલથી ગોળી મારી હત્યા કરવામાં આવી. તે સમયગાળા દરમિયાન કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો સામે ટાર્ગેટેડ હુમલાઓ વધી રહ્યા હતા. સરલા ભટ એવી છેલ્લી કાશ્મીરી પંડિત મહિલાઓમાં સામેલ હતી, જેઓ વધતા આતંકવાદી ખતરાઓ છતાં પોતાની ફરજ બજાવવા માટે ખીણમાં જ રહી હતી.
આ પણ વાંચો: ડાન્સ, પૂલ પાર્ટી અને પછી મોત : 4 ફૂટ ઊંડા પૂલમાં ઊંચાઈ પરથી કૂદકો મારતા યુવકે ગુમાવ્યો જીવ
યાસીન મલિક પર હત્યાનો આદેશ આપવાનો આરોપ
SIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે JKLFના તત્કાલીન કમાન્ડર યાસીન મલિકે સરલા ભટની હત્યાનો આદેશ આપ્યો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન કેટલાક આતંકીઓની ધરપકડ બાદ યાસીન મલિકને શંકા થઈ હતી કે હોસ્પિટલમાં ફરજ બજાવતી કોઈ કાશ્મીરી પંડિત નર્સે પોલીસને માહિતી આપી હશે. જો કે, ચાર્જશીટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરલા ભટ વિરુદ્ધ માહિતી આપવાનો આક્ષેપ સંપૂર્ણપણે ખોટો અને બનાવટી હતો. તપાસમાં એવું કોઈ પુરાવું મળ્યું નથી કે તેમણે સુરક્ષા એજન્સીઓને કોઈ માહિતી આપી હતી.
ત્રણ દાયકાથી વધુ સમય બાદ ન્યાયની દિશામાં પગલું
આ કેસને માર્ચ 2024માં જમ્મુ-કાશ્મીરના DGPના આદેશ બાદ SIAને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ એજન્સીએ ત્રણ દાયકાથી વધુ જૂના પુરાવા, સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સિક તપાસ, બેલિસ્ટિક વિશ્લેષણ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરીને સમગ્ર કેસને ફરીથી જીવંત કર્યો હતો. તપાસ દરમિયાન વર્ષ 1989 અને 1990માં SKIMS હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ, પત્રકારો અને અનેક વડીલ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. SIAના અધિકારીઓએ વર્ષોથી ન્યાયની આશા ગુમાવી ચૂકેલા પરિવારો સુધી પહોંચી તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.
અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા
ચાર્જશીટમાં યાસીન મલિક ઉપરાંત ખુર્શીદ અહમદ ચાલકૂને ગોળી ચલાવનાર તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તેમજ અબ્દુલ હમીદ શેખ, મોહમ્મદ યુસુફ સોફી ઉર્ફે ઇદ્રીસ અને ગુલામ મોહમ્મદ ટપલૂના નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક આરોપીઓના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ખુર્શીદ ચાલકૂ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો: જયપુરમાં નિર્માણાધીન ઈમારતની દીવાલ ધરાશાયી : ત્રણ મજૂરોના મોત; અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
કાશ્મીરી પંડિતોના વિસ્થાપન સાથે જોડાયેલો કેસ
તપાસ એજન્સીનું માનવું છે કે સરલા ભટની હત્યા માત્ર વ્યક્તિગત દુશ્મનાવટનું પરિણામ નહોતી, પરંતુ તે કાશ્મીરી પંડિત સમુદાયને ડરાવીને ખીણમાંથી બહાર ધકેલવાના સુનિયોજિત અભિયાનનો ભાગ હતી. વિવિધ કાશ્મીરી પંડિત સંગઠનોના અંદાજ મુજબ વર્ષ 1989 બાદથી 1,500થી 2,000 જેટલા કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે પાંચ લાખથી વધુ લોકો પોતાના વતન છોડવા મજબૂર બન્યા હતા.
અન્ય જૂના કેસોમાં પણ નવા સંકેતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરલા ભટ કેસની તપાસ દરમિયાન અન્ય અનેક જૂના અને અધૂરા આતંકવાદી કેસોમાં પણ નવા પુરાવા અને સાક્ષીઓ સામે આવ્યા છે. જેમાં ન્યાયમૂર્તિ નીલકંઠ ગંજૂ, ટિક્કાલાલ ટપલૂ અને કવિ સર્વાનંદ કૌલ પ્રેમીની હત્યાના કેસોનો પણ સમાવેશ થાય છે. SIAના અધિકારીઓનું માનવું છે કે, આગામી સમયમાં આ કેસોમાં પણ નવી ચાર્જશીટ દાખલ થઈ શકે છે.






