Home Gujarat Dr Babasaheb Ambedkars 135th Birth Anniversary Pm Modi President Murmu Pay Tributes

ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી : PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત મહાનુભાવોએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ambedkar Jayanti 2026 PM Modi President Murmu
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 07:33 AM IST

Ambedkar Jayanti 2026: ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે આજે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને આદરપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ દેશના ટોચના નેતાઓએ બાબા સાહેબના રાષ્ટ્ર નિર્માણના અતુલ્ય ફાળાને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં પુષ્પાંજલિ અર્પી હતી, જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે લોકભવન ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને બંધારણના ઘડવૈયાને ભાવાંજલિ આપી હતી.

સંસદ સંકુલમાં PM મોદીની શ્રદ્ધાંજલિ: 'બાબા સાહેબના આદર્શો પ્રેરણાસ્ત્રોત'

આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાબા સાહેબના વિચારો અને તેમના દ્વારા ઘડવામાં આવેલું બંધારણ આજે પણ દેશને વિકાસના પથ પર આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યું છે. સંસદમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ મુર્મુએ લોકભવનમાં કરી પુષ્પાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે લોકભવન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરના પોટ્રેટને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાબા સાહેબના જીવન અને કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી 'ભારત રત્ન' ને વંદન કર્યા હતા.

આ પણ વાંચો: ગાંધીનગર વિધાનસભા સંકુલ 'જય ભીમ'ના નાદથી ગુંજી ઉઠ્યું : CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષે બાબાસાહેબની 135મી જન્મજયંતીએ અર્પી પુષ્પાંજલિ

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય ઉજવણી: વિધાનસભામાં ભાવવંદના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ડૉ. આંબેડકરની જન્મજયંતીની ઉજવણીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બાબા સાહેબના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, વિધાનસભા સંકુલની સામે આવેલી 'પ્રેરણા ભૂમિ' ખાતે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને ભાવ વંદના કરી હતી. આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ બાબા સાહેબના જીવન પર પ્રભાવી વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન 'જય ભીમ' ના નારાથી ગુંજી ઉઠ્યું

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનમેદની સાથે સહભાગી થયા હતા. આ સમયે ઉપસ્થિત હજારો નાગરિકોએ 'જય ભીમ' ના નારા લગાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મંત્રીમંડળના સદસ્યો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસૂરે સ્વીકાર્યું હતું કે બાબા સાહેબે આપેલ સમાનતા અને ન્યાયનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now