Home Gujarat Gujarat Government Announces 20 Percent Reservation For Ex Agniveers

પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : પોલીસ, જેલ અને વન વિભાગની ભરતીમાં મળશે 20% અનામત

Agniveer Reservation
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 10:43 AM IST

Agniveer Reservation: ગુજરાત સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં થતી વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી અગ્નિવીર યોજના હેઠળ સેવા પૂર્ણ કરનારા યુવાનોને સરકારી નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. માત્ર અનામત જ નહીં, પરંતુ પૂર્વ અગ્નિવીરોને ભરતી પ્રક્રિયામાં વિશેષ રાહતો પણ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને યુવાનો માટે મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક પગલું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અગ્નિવીર યોજના હેઠળ દેશસેવા કર્યા બાદ કારકિર્દીની નવી દિશા શોધી રહેલા યુવાનોને આ નિર્ણયથી મોટો લાભ મળશે.

શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય કર્યો છે. ઉપરાંત ભરતી માટે નક્કી કરાયેલી ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વધુ લાભ આપતા રાજ્ય સરકારે તેમને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની છૂટ આપવાના પણ દિશાનિર્દેશો જાહેર કર્યા છે. જેના કારણે પ્રથમ બેચના અગ્નિવીરોને સરકારી નોકરી માટે વધુ તક મળશે.

કયા વિભાગોની ભરતીમાં મળશે લાભ?

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ અનેક મહત્વપૂર્ણ વિભાગોની ભરતીમાં મળશે. જેમાં હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના પ્લાટૂન કમાન્ડર તેમજ પોલીસ કોન્સ્ટેબલની ભરતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેલ વિભાગ હેઠળની જેલર ગ્રુપ-2 અને જેલ સિપાઈની ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને અનામત અને અન્ય રાહતોનો લાભ મળશે. વન અને પર્યાવરણ વિભાગ હેઠળ વનરક્ષક વર્ગ-3 અને વનપાલ વર્ગ-3 સંવર્ગોની ભરતીમાં પણ આ જોગવાઈ લાગુ પડશે.

આ પણ વાંચો: ગુજરાતના સત્તા કેન્દ્રમાં કેમ વધી રહી છે હલચલ? : પાટીદાર સમીકરણ, ભાજપની આંતરિક ખેંચતાણ અને ચૂંટણી પહેલાંના રાજકીય સંકેતો

અગ્નિવીરોના પુનર્વસન માટે મહત્વપૂર્ણ પગલું

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી અગ્નિપથ યોજના અંતર્ગત ચાર વર્ષ સેવા આપનારા અગ્નિવીરો માટે સેવા બાદ રોજગાર અને પુનર્વસનનો મુદ્દો મહત્વનો રહ્યો છે. ગુજરાત સરકારનો આ નિર્ણય અગ્નિવીરોને સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મહત્વપૂર્ણ તક આપશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો પૂર્વ અગ્નિવીરોને લાભ મળવાની સંભાવના છે. સાથે જ રાજ્યની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થામાં તાલીમપ્રાપ્ત યુવાનોની સેવાઓનો વધુ અસરકારક ઉપયોગ પણ થઈ શકશે.

યુવાનોમાં ખુશીનો માહોલ

સરકારના આ નિર્ણયને લઈને અગ્નિવીર તરીકે સેવા આપી ચૂકેલા અને હાલ સેવા આપી રહેલા યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી નોકરીમાં અનામત, વયમર્યાદામાં છૂટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિ જેવી જોગવાઈઓ તેમના માટે મોટી રાહતરૂપ સાબિત થશે. ગુજરાત સરકારનું આ પગલું રાજ્યમાં પૂર્વ અગ્નિવીરોના સશક્તિકરણ અને પુનર્વસન માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now