Home Gujarat Gujarat Police To Promote 52 Officers For Excellent Work In Ndps Cases

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : 52 પોલીસકર્મીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી

Gujarat Police
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 11:43 AM IST

ગુજરાતમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ વચ્ચે રાજ્યના પોલીસ દળ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડ્રગ્સ માફિયાઓ અને NDPS એક્ટ હેઠળના ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરીને નોંધપાત્ર સફળતા મેળવનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી વિશેષ પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. ગુજરાત પોલીસના વહીવટી વિભાગે NDPS કેસોમાં પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 52 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ નશાખોરી અને ડ્રગ્સ નેટવર્ક સામે બહાદુરીપૂર્વક અને અસરકારક કામગીરી કરનારા કર્મચારીઓનું મનોબળ વધારવાનો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ્સના મોટા જથ્થા ઝડપવાના અને આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરવાના અનેક સફળ ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં અનેક પોલીસ અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.

પોલીસ વડાઓ પાસેથી તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો

આ સમગ્ર પ્રક્રિયાને આગળ વધારવા માટે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) દ્વારા તમામ સંબંધિત પોલીસ એકમોના વડાઓને તાત્કાલિક વિગતો મોકલવા સૂચના આપવામાં આવી છે. પોલીસ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ યાદીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ અથવા શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી બાકી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. વિભાગે તમામ સંબંધિત દસ્તાવેજો અને પુરાવા સાથેની માહિતી નિર્ધારિત સમયમર્યાદામાં મોકલવા કડક સૂચના આપી છે, જેથી બઢતીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય.

આ પણ વાંચો: ગુજરાતના IAS તંત્રમાં મોટો ફેરફાર : IAS રાજેશ માંજૂને મળી મોટી જવાબદારી, બન્યા નવા રીલીફ કમિશનર

ATS અમદાવાદના સૌથી વધુ અધિકારીઓ યાદીમાં

આઉટ ઓફ ટર્ન બઢતી માટે પસંદ કરાયેલા 52 અધિકારીઓ અને કર્મચારીઓમાં સૌથી વધુ સંખ્યા ATS અમદાવાદમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની હોવાનું જાણવા મળ્યું છે. ATS દ્વારા રાજ્યમાં અનેક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિભાગના કર્મચારીઓની કામગીરીને વિશેષ માન્યતા મળી રહી છે. આ ઉપરાંત મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય તેમજ CID ક્રાઇમ ગાંધીનગર જેવા વિભાગોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જુઓ યાદી...

ડ્રગ્સ સામેની લડતમાં પ્રોત્સાહક પગલું

પોલીસ વિભાગના આ નિર્ણયને ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી માત્ર સન્માન જ નહીં પરંતુ પોલીસકર્મીઓની કામગીરીની સત્તાવાર કદર પણ છે. વિશ્લેષકોનું માનવું છે કે, આવા નિર્ણયો પોલીસ દળમાં કાર્યરત અધિકારીઓ અને જવાનોનું મનોબળ વધારશે તેમજ ભવિષ્યમાં વધુ અસરકારક રીતે NDPS કેસો સામે કાર્યવાહી કરવા માટે પ્રેરણા આપશે. રાજ્યમાં ડ્રગ્સ મુક્ત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now