Home International Pm Modi Gifts Giorgia Meloni 5 Countries Visit Gift Diplomacy

PM મોદીએ જ્યોર્જિયા મેલોની સહિત 5 દેશોના નેતાઓને આપી ખાસ ગિફ્ટ : જાણો શું છે આ ખાસ ગિફ્ટ

PM Modi meeting Italy PM Giorgia Meloni during his 5 countries visit
Published by: Vaishnavi Pathak
Last Updated: May 22, 2026, 04:57 AM IST

PM મોદીએ જ્યોર્જિયા મેલોની સહિત 5 દેશોના નેતાઓને આપી ખાસ ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી સહિત 5 દેશોની મહત્વપૂર્ણ રાજદ્વારી યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ વિવિધ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરી અને પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા. આ મુલાકાતો દરમિયાન વડાપ્રધાને વૈશ્વિક નેતાઓને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, અનોખી હસ્તકલા અને સ્વાદિષ્ટ ભેટો રજૂ કરી હતી.

આ યાત્રા દરમિયાન કયા નેતાને કઈ અદભુત ગિફ્ટ મળી, તેની વિગતો નીચે મુજબ છે:

ઇટાલી: વડાપ્રધાન મેલોની અને રાષ્ટ્રપતિને ખાસ ભેટ

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'મેલોડી' ટોફી ઉપરાંત ભારતની ખાસ ઓળખ સમાન બે સિલ્ક સ્ટોલ ભેટમાં આપ્યા:

  • મુગા સિલ્ક સ્ટોલ: આસામના બ્રહ્મપુત્રા ખીણના આ પરંપરાગત વારસાને "ગોલ્ડન સિલ્ક" તરીકે ઓળખવામાં આવે છે. આ રેશમ તેના કુદરતી સોનેરી રંગ, મજબૂતાઈ અને ચમક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

  • શિરુઈ લિલી સિલ્ક સ્ટોલ: મણિપુરના શિરુઈ કાશંગ શિખર પર જોવા મળતા દુર્લભ શિરુઈ લિલી ફૂલની ડિઝાઇનથી સુશોભિત આ સ્ટોલ પણ મેલોનીને આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને આગ્રાના કારીગરો દ્વારા તૈયાર કરાયેલું 'માર્બલ ઇનલે વર્ક બોક્સ' (પચ્ચીકારી કલા) આપવામાં આવ્યું, જેમાં ભારતના શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો પંડિત ભીમસેન જોશી અને એમ. એસ. સુબ્બુ લક્ષ્મીની સીડી (CDs) સામેલ હતી.

UAE: રાષ્ટ્રપતિને ગુજરાતની કેસર કેરી અને રોગન પેઇન્ટિંગ

વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રવાસ દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનને ભારતની કૃષિ ક્ષમતા અને કલાની ઝલક બતાવી:

  • જૂનાગઢની કેસર કેરી: ગુજરાતની જીઆઇ (GI) ટેગ ધરાવતી જગપ્રખ્યાત કેસર કેરી અને તેની સાથે મેઘાલયના ખાસ અનાનસ ભેટમાં આપ્યા.

  • રોગન પેઇન્ટિંગ: ગુજરાતના કચ્છની દુર્લભ અને ઉત્કૃષ્ટ ટેક્સટાઇલ આર્ટ ગણાતી 'ટ્રી ઓફ લાઈફ' થીમ આધારિત રોગન પેઇન્ટિંગ પણ અર્પણ કરી.

  • ઔપચારિક કટાર: UAEના ક્રાઉન પ્રિન્સને રાજસ્થાની કોફ્ટગારી કલાથી સુશોભિત પરંપરાગત કટાર ભેટ આપી, જે ભારતની યુદ્ધકલાનું પ્રતીક છે.

નેધરલેન્ડ: શાહી પરિવારને બ્લુ પોટરી અને કુંદનની ભેટ

નેધરલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ત્યાંના રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને રાજસ્થાનની ઓળખ સમાન કલાકૃતિઓ આપી:

  • જયપુરની બ્લુ પોટરી: ક્વાર્ટઝ પાવડર અને કાચના મિશ્રણથી બનતી આ પ્રખ્યાત કલાના નમૂના રાજાને ભેટ અપાયા.

  • મીનાકારી અને કુંદન ઇયરિંગ્સ: રાણી મેક્સિમાને પરંપરાગત ભારતીય ઘરેણાંની શ્રેષ્ઠ કારીગરીવાળી બુટ્ટીઓ આપી.

  • મધુબની પેઇન્ટિંગ: નેધરલેન્ડના પીએમ રોબ જેટનને બિહારના મિથિલા ક્ષેત્રની પ્રખ્યાત માછલીના મોટિફવાળી મધુબની પેઇન્ટિંગ ભેટ કરી.

સ્વીડન અને નોર્વે: પ્રકૃતિ અને સાહિત્યનો સમન્વય

સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનને નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકોનો સેટ, શાંતિનિકેતનનું હસ્તનિર્મિત મેસેન્જર બેગ, મણિપુરની લોકટક ચા અને લદ્દાખનો શુદ્ધ ઊનનો પશ્મિના શાલ ભેટમાં આપ્યો. સ્વીડનની રાજકુમારી વિક્ટોરિયાને મધ્યપ્રદેશની પ્રખ્યાત "ગોંડી પેઇન્ટિંગ" આપી.

નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરેને સિક્કિમના ઓર્ગેનિક ફૂલોમાંથી બનેલી 'પ્રેસ્ડ ઓર્કિડ પેઇન્ટિંગ' અને પેપરવેટ આપવામાં આવ્યા. જ્યારે નોર્વેના યુવરાજ હાકોનને આંધ્રપ્રદેશની પ્રાચીન કલા શૈલી સૂર્ય-ચંદ્રના મોટિફવાળી "કલમકારી પેઇન્ટિંગ" ભેટમાં આપી.

અન્ય દેશોના નેતાઓને મળેલી અનોખી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રવાસના ભાગરૂપે અન્ય વૈશ્વિક નેતાઓને પણ અનોખી અને યાદગાર વસ્તુઓ ભેટમાં આપી હતી. તેમણે આઇસલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટ્રુન ફ્રોસ્ટડોટિરને વર્ષ 1953માં થયેલા ઐતિહાસિક માઉન્ટ એવરેસ્ટ આરોહણ સમયની તેનઝિંગ નોર્ગેની બરફની કુહાડીની ખાસ પ્રતિકૃતિ (Replica) અર્પણ કરી હતી. આ સાથે જ ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સનને દક્ષિણ ભારતની હૈદરાબાદી વિરાસત સમાન અને ચાંદીના તારથી કંડારેલો ખૂબ જ સુંદર 'બિદરી ચાંદીનો ગુલદસ્તો' ભેટમાં આપ્યો હતો, જ્યારે ફિનલેન્ડના વડાપ્રધાન પેટરી ઓર્પોને રાજસ્થાનની નાથદ્વારા પરંપરાની કલાત્મક 'કમલ તલાઈ પિછવાઈ પેઇન્ટિંગ' ભેટ તરીકે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અદભુત ગિફ્ટ ડિપ્લોમેસીએ માત્ર બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને જ મજબૂત નથી કર્યા, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતના સ્થાનિક કારીગરોની અજોડ કલા અને જીઆઇ (GI) પ્રમાણિત ઉત્પાદનોને પણ એક નવી અને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now