ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
8931 દિવસ: ઐતિહાસિક સિદ્ધિ
જગદીશ વિશ્વકર્માએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મદિવસ પવિત્ર રામનવમીના પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ પવિત્ર દિવસે આપણે એક ગૌરવપૂર્ણ વિષય માટે એકત્ર થયા છીએ. ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. પહેલા મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે સતત 8,931 દિવસ સુધી શાસનનું નેતૃત્વ કરીને તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. સાથે જ તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને વડાપ્રધાન તરીકે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીજીના 4,077 દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.
વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આજે દેશ તેમને ‘પ્રધાનસેવક’ તરીકે ઓળખે છે, કારણ કે છેલ્લા 24 વર્ષના જાહેર જીવનમાં નરેન્દ્ર મોદીએ ક્યારેય પોતાને માત્ર મુખ્યમંત્રી કે વડાપ્રધાન તરીકે નથી જોયા, પરંતુ રાષ્ટ્રના સેવક તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું છે. આ માત્ર સમયનો રેકોર્ડ નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો રેકોર્ડ છે. તેમની રાજકીય યાત્રા સેવા, સમર્પણ અને દૃઢ નિશ્ચયની યાત્રા રહી છે.
ગુજરાતથી શરૂ થયેલી વિકાસ યાત્રા
તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય સામે અનેક પડકારો ઉભા હતા. 2001 નો ભૂકંપ રાજ્ય માટે અને વિશેષ કરીને કચ્છ માટે વિનાશ બનીને આવ્યો હતો. ઘણા લોકો કહેતા હતા કે કચ્છ ફરી બેઠું થઈ શકશે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના દૃઢ મનોબળ, પ્રબળ ઈચ્છાશક્તિ અને મજબૂત નેતૃત્વથી કચ્છ ફરી ઊભું થયું અને કચ્છની ગાથા ઇતિહાસમાં લખાય તે રીતે તેનો વિકાસ થયો.
મોદીના નેતૃત્વ હેઠળ યોજનાઓનો વ્યાપ
તેમણે જણાવ્યું કે નર્મદા સરદાર સરોવર યોજના માટે કેન્દ્રની કોંગ્રેસ સરકારના ઓરમાયા અને ભેદભાવપૂર્ણ વર્તન સામે સંકલ્પબદ્ધ થઈને નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમની પૂર્ણતા માટે કોઈ કસર બાકી ન છોડી અને જરૂર પડે ત્યાં ઉપવાસ પણ કર્યા. એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં વીજળી સૌથી મોટો પ્રશ્ન હતો, ત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાં સુધી 24 કલાક વીજળી પહોંચાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિશ્વભરના ઉદ્યોગકારોને ગુજરાતમાં આમંત્રિત કરી મોટા પ્રમાણમાં રોકાણ અને રોજગારીની તકો ઊભી કરી. કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃ વંદના યોજના, બેટી બચાવો અભિયાન અને કર્મયોગી અભિયાન જેવી પહેલો દ્વારા વિકાસનું એક નવું ગુજરાત મોડલ સ્થાપિત થયું. દીકરીઓના શિક્ષણથી લઈને યુવાનોના રોજગાર સુધી, ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુવિધાઓ સુધી અને નાના વેપારીથી લઈને ઉદ્યોગકાર સુધી ગુજરાતના સર્વાંગી વિકાસના તમામ આયામોને સ્પર્શીને ગુજરાતને મોડલ સ્ટેટ બનાવ્યું.
વિશ્વકર્માએ જણાવ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સે ગુજરાતની ઓળખને નવી દિશા આપી અને નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વને માન્યતા આપતાં ગુજરાતને વિશ્વભરમાંથી અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું. વર્ષ 2004 થી 2013 દરમિયાન દેશ ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી પીડાતો હતો, ત્યારે નરેન્દ્ર મોદી દેશના નાગરિકો માટે આશાનું કિરણ બનીને ઊભા રહ્યા. વર્ષ 2014 માં દેશની જનતાએ ભાજપા પર પ્રેમ દર્શાવી ગુજરાતના આ સપુતને દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપી. ત્યારથી દેશની 140 કરોડ જનતાએ સતત ત્રણ વખત તેમને સેવા કરવાનો અવસર આપ્યો છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી પહેલો દ્વારા નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો ગરીબો અને ખેડૂતોને સીધો લાભ થયો છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજનાએ ગરીબ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. “લખપતિ દીદી” અભિયાન દ્વારા સ્વસહાય જૂથોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે અને મહિલાઓના સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન કાયદા દ્વારા મહિલા અનામત બિલ પસાર કરીને ઐતિહાસિક કાર્ય કર્યું છે.
તેમણે જણાવ્યું કે, દેશની વ્યવસ્થાને ક્ષતિગ્રસ્ત કરનાર ભ્રષ્ટાચારની ઉધઈને જન ધન, આધાર અને મોબાઇલ (JAM ટ્રિનિટી) ની તાકાત દ્વારા નાબૂદ કરવામાં આવી છે. સરકારી યોજનાઓનો એક એક પૈસો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થીઓ સુધી પહોંચે છે. દેશમાં ઐતિહાસિક ગતિથી કિલોમીટરથી વધુની ગતિએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે, એરપોર્ટ અને મેટ્રો પ્રોજેક્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આરોગ્ય ક્ષેત્રમાં જ્યાં 70 વર્ષમાં ફક્ત પાંચ એઇમ્સ બનાવવામાં આવ્યા હતા, ત્યાં મોદીના કાર્યકાળ દરમિયાન 15 નવા એઇમ્સની સ્થાપના કરવામાં આવી છે. જેમણે સ્વચ્છ ભારત મિશનને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું અને સ્વચ્છતાને રાષ્ટ્રીય અભિયાન તરીકે પ્રોત્સાહન આપ્યું. "એક પેડ મા કે નામ" જેવા અભિયાનો દ્વારા પર્યાવરણીય જાગૃતિ ફેલાવી.
ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસ
વિશ્વકર્માએ પ્રધાનમંત્રીનરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં, દેશે "વિકાસ અને વારસો" બંને સાથે આગળ વધવાની નીતિ અપનાવી છે. કાશી કોરિડોર, મહાકાલ મંદિર અને ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોના આધુનિકીકરણને નવી દિશા આપી છે. 550 વર્ષથી લોકોની આસ્થા સમાન રામ મંદિરના નિર્માણનો યશ પણ નરેન્દ્રભાઇ મોદીને પ્રાપ્ત થયો છે. તેમના નેતૃત્વમાં, ભારત ડિફેન્સ ક્ષેત્રમાં "આત્મનિર્ભર ભારત" તરફ આગળ વધ્યું છે,અને "પોલીટીક્સ ઓફ પરફોર્મન્સ" પર ભાર મૂકવામાં આવ્યો છે. એક સમય હતો જ્યારે દેશ આતંકવાદની સમસ્યાથી હતપ્રત હતો. દુશ્મન આપણી સરહદોમાં ઘૂસણખોરી કરીને હુમલો કરતો હતો, જ્યારે આપણી તત્કાલીન સરકાર ફક્ત નિંદાના ઠરાવો પસાર કરતી હતી અને દિલ્હીથી શાંતિ માટે વિનંતી કરતી હતી. મોદીજીએ કહ્યું હતું કે, તેઓ ન તો આંખ ઝૂકાવીને વાત કરશે, ન તો આંખ કાઢીને, પરંતુ આંખમાં આંખ મિલાવીને વાત કરશે. ઉરી અને પુલવામાના કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ ભારતે ડોઝિયર સોંપીને નહીં, પરંતુ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈકથી દુશ્મનના ઘરમાં ઘૂસીને આપ્યો. ઓપરેશન સિંદૂર જેવી વ્યૂહાત્મક રણનીતિઓએ દુનિયાને એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આ નવું ભારત છે, આ ન તો કોઈને છેડે છે, અને જો કોઈ તેને છેડે છે તો તેને છોડતું પણ નથી.
તેઓએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અત્યાર સુધી 29 થી વધુ દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક અને રાજકીય સન્માનોથી સન્માનિત કર્યા છે. અને ૧૯ દેશોની સંસદમાં તેમને સંબોધન કરવાની તક મળી છે જે તેમના વૈશ્વિક નેતૃત્વ, રાજદ્વારી કૌશલ્ય અને ભારતની વધતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને દર્શાવે છે.
આ પણ વાંચો: PM મોદીનો ગુજરાત પ્રવાસ : અમદાવાદથી ડીસા સુધી વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને મેગા સભા
સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને ભારતીય મૂલ્યોને વિશ્વ મંચ પર ગૌરવ અપાવવાનું કાર્ય નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં થયું છે. કાશ્મીરમાથી કલમ 370 ની નાબૂદીનું કરોડો નાગરિકોનું વર્ષો જૂનું સ્વપ્ન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થયું છે. જ્યારે દેશને સૌથી મોટી મહામારી COVID-19 એ થંભી જવા મજબૂર કરી દીધો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ લેવામાં આવ્યો. ભારતે પોતાની સ્વદેશી વેક્સિન જ ન બનાવી, પરંતુ 220 કરોડથી વધુ ડોઝનું દુનિયાનું સૌથી મોટું અને સફળ રસીકરણ અભિયાન ચલાવીને કરોડો દેશવાસીઓના જીવ બચાવ્યા. સાથે જ ભારતે 100 થી વધુ દેશોને વેક્સિનની લગભગ 30 કરોડથી વધુ ડોઝ પણ પંહોચાડ્યા.
તેમણે કહ્યું કે, વિપક્ષે મોદી સાહેબ ઉપર વ્યક્તિગત હુમલા કર્યા. "ચા વાળો", “મોત કા સોદાગર”, “ચોર”, “નીચ”, “મોદી તેરી કબ્ર ખુદેગી” જેવા અપશબ્દો બોલ્યા. તેઓની પૂજનીય માતામાટે પણ અપશબ્દો કહ્યા. પરંતુ જનતાએ દરેક વખતે જવાબ આપ્યો – વિશ્વાસથી, મતથી અને સમર્થનથી. નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અને કાર્યશૈલી આજે ભાજપના દરેક કાર્યકર્તા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમનો સંઘર્ષ કાર્યકર્તાને ઊર્જા આપે છે, તેમનું સમર્પણ કાર્યકર્તાને લડવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક વિચાર અને સંસ્થા છે. ભારતવાસીઓ આજે આત્મનિર્ભરતા અને અને ‘વિકસિત ભારત 2047‘ ના સંકલ્પ સાથે મોદીના નેતૃત્વમાં આગેકૂચ કરી રહ્યા છે. આ 8931 દિવસની સફર એટલે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને નિ:સ્વાર્થ જનસેવાની સફર.
Confidence(આત્મવિશ્વાસ), Commitment(પ્રતિબદ્ધતા), Compassion(કરુણા), Consistency (સાતત્ય) સાથેનું નરેન્દ્ર મોદીનું નેતૃત્વ દેશને ચોક્કસપણે નવી ઉંચાઈઓ પર લઈ જશે.






