બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ આજે દાહોદ ખાતે વિશાળ રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી. ઓપરેશન સિંદૂરના સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો. એરપોર્ટ બહાર નીકળતા જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી, વડાપ્રધાને પણ નમસ્તે કહ્યું. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
ઉલ્લેખનીય છેકે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના આતંકીઓએ 26 પર્યટકોની તેમનો ધર્મ પૂછીને હત્યા કરી હતી. જેને બદલો ભારતીય સેનાએ પાકિસ્તાના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરીને આપ્યો છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી પહેલીવાર પોતાના વતન ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે આજે તેમને બિરદાવવા માટે તેમના સ્વાગત માટે આખા ગુજરાતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વડોદરા, અમદાવાદ અને ભૂજમાં પીએમ મોદીના રોડ શોનું આયોજન કરાયું છે. સૌથી પહેલાં પીએમ મોદીનું વડોદરામાં શાનદાર સ્વાગત કરાયું.
આજના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાને દાહોદમાં રૂ. 21,405 કરોડના ખર્ચે બનેલા રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. સાથે જ 9000 હોર્સપાવર ક્ષમતા ધરાવતું દેશનું પહેલું લોકોમોટિવ એન્જિન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉપરાંત વડાપ્રધાને રેલવેના કુલ રૂ. 23,692 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, જેમાં આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, અને રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ, સાબરમતી-બોટાદ રેલ લાઇનના ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઇનના ગેજ પરિવર્તન જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
વિશેષ રૂપે, વડાપ્રધાને સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનો પ્રારંભ કર્યો. ટ્રેન નંબર 26901 દરરોજ સવારે 5:25 વાગ્યે સાબરમતીથી રવાના થશે અને બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે, જયારે ટ્રેન નંબર 26902 વેરાવળથી બપોરે 2:40 વાગ્યે રવાના થઈને રાત્રે 9:35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ અને વિરમગામ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે. આ સેવાને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચે મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે.
ગુજરાતના વાતાવરણમાં પલટો: મહેસાણામાં કરા અને ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, મુંદ્રા પોર્ટ પર જહાજ રસ્સો તોડી દરિયામાં ફસાયું






