Home Gujarat Plans To Spread The Network Of Notorious Gangsters From Rajasthan In Ahmedabad Failed

અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો મનસૂબો નિષ્ફળ! : 7 કલાકના ઓપરેશન બાદ ક્રાઈમ બાન્ચે રવિ ગોદારા ગેંગના બે આરોપીઓને દબોચ્યા

અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો મનસૂબો નિષ્ફળ!
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 06:14 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કલાકના લાંબા અને હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ રાજસ્થાનના કોટા શહેરના બે કુખ્યાત ભાગેડુ ગેંગસ્ટરોને ઝડપી પાડી તેમની ગુજરાતમાં ગુનાહિત નેટવર્ક ફેલાવવાની યોજના નિષ્ફળ બનાવી છે. આ બંને આરોપીઓ કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને તેઓ અમદાવાદમાં ખંડણી તથા અન્ય ગંભીર ગુનાઓ માટે પોતાનું સામ્રાજ્ય જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો મનસૂબો નિષ્ફળ બનાવ્યો

પકડાયેલા આરોપીઓમાં અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ), ઉંમર 25 વર્ષ, રહેવાસી બકરા મંડી, સાજીદ ઈડા, કિશોરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર, કોટા તથા સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ), ઉંમર 26 વર્ષ, રહેવાસી પાટણપોલ, કેતુની પોલ પોલીસ સ્ટેશન વિસ્તાર, કોટાનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સામે 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમના ગુનાહિત ઈતિહાસમાં સંગઠિત ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ તરીકે શાર્પશૂટર તરીકેની ભૂમિકા તેમજ આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ સામેલ છે.

બંને આરોપીઓ હિંસક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

ગુપ્ત હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ જોડી તાજેતરમાં જ રવિ ગોદારા ગેંગમાં જોડાઈ છે અને અમદાવાદમાં ખંડણીનું નેટવર્ક ઉભું કરવા માટે સ્થાનિક ટાર્ગેટ શોધી રહી છે. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સઘન વોચ ગોઠવી હતી. અંતે 7 કલાકના સતત પીછો અને સાવચેત આયોજન બાદ બંને આરોપીઓને કોઈ પણ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ઝડપી લેવામાં આવ્યા હતા. ધરપકડથી બચવા માટે આરોપીઓએ ભારે પ્રયાસો કર્યા હોવા છતાં, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતર્કતા, ઝડપી કાર્યવાહી અને વ્યૂહાત્મક આયોજનથી તેમને દબોચી લીધા હતા. આ કાર્યવાહીથી શહેરની સુરક્ષા વધુ મજબૂત બની છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાન પોલીસ સાથે સંકલન સાધી રહી છે અને પ્રાથમિક કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને આગળની તપાસ માટે કોટા પોલીસને સોંપવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now