Home Business Petrol Diesel Price Hike Rumors Fact Check Government Clarification

શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 25થી 28 રૂપિયાનો વધારો? : જાણો સરકારે શું કહ્યું

Petrol Diesel Price Hike India
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 09:27 AM IST

Petroleum Ministry Fact Check: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવતા ઉછાળા વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને સોશિયલ મીડિયા પર એક ગભરાટ ફેલાવનારો અહેવાલ વાયરલ થઈ રહ્યો છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીના નામે ચાલી રહેલા આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, એટલે કે 29 એપ્રિલ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 25 થી 28 રૂપિયાનો તોતિંગ વધારો થઈ શકે છે. આ સમાચાર વાયરલ થતા જ સામાન્ય જનતામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જોકે, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. સરકારે આ અહેવાલોને સદંતર 'ફેક ન્યૂઝ' (ખોટા સમાચાર) ગણાવ્યા છે. મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે સરકાર પાસે હાલમાં ભાવ વધારાનો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ પ્રકારના સમાચારો માત્ર નાગરિકોમાં ડર પેદા કરવા અને ગભરાહટ ફેલાવવાના હેતુથી જ વાયરલ કરવામાં આવી રહ્યા છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે છેલ્લા 4 વર્ષમાં વૈશ્વિક કટોકટી છતાં ભાવ સ્થિર રાખ્યા છે.

શું હતો બ્રોકરેજ ફર્મનો દાવો અને કેમ ફેલાઈ અફવા?

કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીએ તેના એક વિશ્લેષણમાં પશ્ચિમ એશિયાની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલ મુજબ, ઇઝરાયેલ-ઈરાન તણાવને કારણે જો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (દરિયાઈ માર્ગ) બંધ થાય છે, તો ક્રૂડ ઓઈલના ભાવ 100 થી 115 ડોલર સુધી જઈ શકે છે. ભારતનું 40 ટકા ક્રૂડ આ માર્ગેથી આવે છે. બ્રોકરેજ ફર્મે અનુમાન લગાવ્યું હતું કે ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ઓઈલ કંપનીઓ પોતાનું નુકસાન સરભર કરવા માટે 25 થી 28 રૂપિયાનો વધારો કરી શકે છે. આ અહેવાલને સોશિયલ મીડિયા પર એવી રીતે રજૂ કરવામાં આવ્યો કે લોકો તેને સત્તાવાર નિર્ણય માનવા લાગ્યા.

આ પણ વાંચો: બાબા વેંગા આ ભવિષ્યવાણી સાચી પડી તો સોનું જોવા આંખો તડપશે! : મધ્યમ વર્ગ માટે તહેવારો અને લગ્ન પ્રસંગોમાં સોનું ખરીદવું બનશે સ્વપ્ન!

કેન્દ્ર સરકારનો જવાબ: "સમાચાર શરારતપૂર્ણ અને ભ્રામક છે"

પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર પોસ્ટમાં જણાવ્યું છે કે, "કેટલાક ન્યૂઝ રિપોર્ટ્સમાં જે ભાવ વધારાની વાત કરાઈ છે તે પાયાવિહોણી છે. સરકાર સામાન્ય નાગરિકોને વૈશ્વિક કિંમતોના બોજાથી બચાવવા માટે સતત પગલાં ભરી રહી છે." સરકારે વધુમાં ઉમેર્યું કે ભારત સરકાર અને ઓઈલ PSUsએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ મોંઘું થવા છતાં ભારતીય બજારમાં રિટેલ ભાવ વધવા દીધા નથી. નાગરિકોએ આવી કોઈ પણ ભ્રામક માહિતીથી દૂર રહેવું જોઈએ.

ચૂંટણી અને પેટ્રોલ-ડીઝલના ભાવનું કનેક્શન

ઉલ્લેખનીય છે કે, દેશના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે અંતિમ તબક્કાનું મતદાન છે અને 4 મેના રોજ પરિણામો જાહેર થવાના છે. વિપક્ષો અને કેટલાક અર્થશાસ્ત્રીઓ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે ચૂંટણી પૂરી થતા જ સરકાર ભાવ વધારાની છૂટ આપશે. જોકે, સરકારના આજના ફેક્ટ ચેક અને સ્પષ્ટ ઇનકાર બાદ આ અટકળો પર હાલ પૂરતો વિરામ મુકાયો છે.

આ પણ વાંચો: 24 કલાકમાં બે દુષ્કર્મ, એક હત્યા... : ન કાયદાનો ડર, ન કોઈ પસ્તાવો; IRSની પુત્રી સાથેની દરિંદગીમાં ચોંકાવનારા ખુલાસા

વિશ્વભરમાં ભાવ વધ્યા, પણ ભારતમાં સ્થિતિ કાબૂમાં?

ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર કરી જતાં અમેરિકા, યુરોપ અને પાકિસ્તાન-શ્રીલંકા જેવા પાડોશી દેશોમાં ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ છેલ્લા લાંબા સમયથી ભાવમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વૈશ્વિક વધારો હોવા છતાં ભારત સરકારે સબસિડી અને અન્ય માધ્યમોથી સામાન્ય ગૃહિણીઓ પરનો બોજો ઓછો રાખવાનો પ્રયાસ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now