Delhi Murder Case: દેશની રાજધાની દિલ્હીના હાઈ-પ્રોફાઈલ વિસ્તાર કૈલાશ હિલ્સમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક સિનિયર IRS (ભારતીય મહેસૂલ સેવા) અધિકારીની 22 વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાહુલ મીણાની દ્વારકાની એક હોટલમાંથી ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન જે વિગતો બહાર આવી છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપી આ પરિવારનો ભૂતપૂર્વ નોકર હતો, જેને છ અઠવાડિયા પહેલા જ નાણાકીય ગેરરીતિના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે યુવતીના માતા-પિતા સવારે જિમમાં ગયા હતા અને તે ઘરે એકલી હતી. આરોપી પરિવારની દરેક હિલચાલ અને ઘરની સુરક્ષા વ્યવસ્થાથી વાકેફ હતો. તેણે લૂંટના ઈરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ત્યારબાદ આ ક્રૂરતા આચરી હતી. પોલીસે આ મામલે બળાત્કાર, હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તે ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીનો આદી હતો અને તેના પર ઘણું દેવું થઈ ગયું હતું.
ઘરની દરેક હિલચાલથી વાકેફ હતો આરોપી: સ્પેર કીનો કર્યો ઉપયોગ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી રાહુલ મીણાએ અત્યંત આયોજનબદ્ધ રીતે આ ગુનાને અંજામ આપ્યો હતો. યુવતીના માતા-પિતા જ્યારે જિમમાં જાય ત્યારે ઘરની બહાર એક 'સ્પેર કી' (વધારાની ચાવી) રાખવામાં આવતી હતી, જેની આરોપીને જાણ હતી. બુધવારે સવારે 06:40 કલાકે જ્યારે માતા-પિતા બહાર ગયા, ત્યારે તેણે ચાવીથી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે યુવતી અભ્યાસ કરી રહી હતી. આરોપીએ તિજોરીનો પાસકોડ માંગ્યો હતો, પરંતુ યુવતીએ પ્રતિકાર કરતા તેણે ભારે વસ્તુ વડે તેના માથા પર પ્રહાર કર્યો હતો.
ચાર્જરના વાયરથી ગળું દબાવી હત્યા અને બળાત્કાર
આરોપીની ક્રૂરતા અહીં જ ન અટકી. માથામાં ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મોબાઈલ ચાર્જિંગ કેબલ (વાયર) થી તેનું ગળું દબાવી દીધું. માત્ર 40 મિનિટમાં આ જઘન્ય અપરાધ આચરીને આરોપી ઘરમાંથી અંદાજે 2.5 લાખ રૂપિયાની રોકડ અને કિંમતી ઘરેણાં લઈને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તે કપડાં બદલીને શાંતિથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસા : ભાજપ ઉમેદવારને દોડાવી-દોડાવીને માર્યા, અનેક સ્થળે પથ્થરમારો
રાજસ્થાનમાં પણ આચરી હતી આવી જ ઘટના
દિલ્હી પોલીસે જ્યારે તપાસના તાર રાજસ્થાનના અલવર સુધી લંબાવ્યા ત્યારે વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી. દિલ્હીમાં આ હત્યા કર્યાના માત્ર 24 કલાક પહેલા જ આરોપીએ રાજસ્થાનમાં પણ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાંથી ભાગીને દિલ્હી આવ્યો હતો. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તે દારૂ તેમજ નશાનો પણ આદી છે. તેણે લૂંટના પૈસાથી દેવું ચૂકવવાનું આયોજન કર્યું હતું.
સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો
દિલ્હીના હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ઘરઘાટી કે નોકર રાખતી વખતે પોલીસ વેરિફિકેશન કેટલું જરૂરી છે તે ફરી એકવાર સાબિત કરી દીધું છે. આ કેસમાં પણ આરોપીનું કોઈ પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નહોતું. ઉપરાંત, ઘરની બહાર ચાવી રાખવાની નાનકડી ભૂલ એક તેજસ્વી યુવતીના જીવ પર ભારે પડી. હાલમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અને સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહેલી આ દીકરીના અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.





