Home Gujarat People Are Scared About The Firing Incident In Muli Surendranagar

સુરેન્દ્રનગરના મુળીમાં ફાયરીંગ મામલે લોકોમાં ડર! : નિવૃત પોલીસ કર્મીએ ભાજપ કાર્યકર પર કર્યું ફાયરિંગ, આરોપી પોલીસ પક્કડથી દૂર

સુરેન્દ્રનગરના મુળીમાં ફાયરીંગ મામલે લોકોમાં ડર!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 09:16 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મુળી ગામમાં મોડી રાત્રે થયેલા ફાયરિંગના બનાવે સમગ્ર વિસ્તારમાં ભય અને નાસભાગની સ્થિતિ સર્જી હતી. મળતી માહિતી મુજબ રાતના સમયે કાર આગળ-પાછી લેવાની સામાન્ય બાબતે બે વ્યક્તિઓ સામસામે આવી ગયા હતા, જેના કારણે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બની ગયો હતો.

રિવોલ્વરથી ફાયરિંગની ઘટના

આ ઘટનામાં નિવૃત્ત પોલીસ અધિકારી હરીચંદ્રસિંહ જેઠુભા પરમારે ભાજપના હોદ્દેદાર સત્યવિજયસિંહ પરમાર પર રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક ગોળી હવામાં ફાયર થઈ હતી, જ્યારે બીજી ગોળી ભાજપના હોદ્દેદારના પગમાં વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાના તરત બાદ તેમને લોહી નીકળતી હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ભય ફેલાયો

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ બંને વ્યક્તિઓ વચ્ચે થોડા સમય પહેલાં પણ તકરાર થઈ હતી અને તેમાંથી મનદુઃખ ચાલતું હતું. કાર આગળ-પાછી લેવાની બાબતે ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝપાઝપી દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મચારીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી ફાયરિંગ કર્યું હતું. ભર બજારમાં ફાયરિંગ થતાં લોકોમાં ભય ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાના બે દિવસ બાદ આરોપી પોલીસ પક્કડથી દૂર

ઘટનાની જાણ થતાં જ મુળી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફાયરિંગ કરીને ફરાર થયેલા નિવૃત્ત પોલીસ અધિકારીને ઝડપવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જોકે, ઘટનાને બે દિવસ વીતી જવા છતાં હજુ સુધી ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો નથી, જેને લઈને લોકોમાં પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now