Home Gujarat Pavagadh Reva Path Night Walkway Closed Monsoon Panchmahal

પાવાગઢ જતાં પ્રવાસીઓ ખાસ વાંચે : ચોમાસામાં રેવાપથ પર પગપાળા યાત્રા આ સમય પૂરતી બંધ

પાવાગઢ રેવાપથ
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 08:49 AM IST

પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન યાત્રિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાવાગઢના રેવાપથ પર માંચીથી માતાજીના નિજ મંદિર સુધીનો પગપાળા જવાનો માર્ગ હવે દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી યાત્રિકો માટે બંધ રાખવામાં આવશે.

ચોમાસાની ઋતુ દરમિયાન પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પથ્થરો ધસી પડવાની શક્યતાઓ વધતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે દૃશ્યતા ઓછી હોવાના કારણે અકસ્માતનું જોખમ વધુ રહે છે. આથી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને પગપાળા માર્ગ પર રાત્રિ દરમિયાન અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં દરરોજ 6થી 8 લાખ રૂપિયાની ચોરી? : દાનના ત્રીજા ભાગનો હિસ્સો ઉડાવતા હતા ચોર, SIT તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

અગાઉની દુર્ઘટના બાદ રચાઈ હતી તપાસ સમિતિ

થોડા સમય પહેલાં પાવાગઢના પગપાળા માર્ગ પર પથ્થર પડવાની ઘટનામાં જાનહાનિ સર્જાઈ હતી. આ ગંભીર ઘટનાને પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ સ્થળ નિરીક્ષણ, ભૂસ્તરીય સ્થિતિ અને વરસાદી ઋતુ દરમિયાન ઊભા થતા જોખમોનું વિશ્લેષણ કરીને પોતાનો અહેવાલ જિલ્લા વહીવટીતંત્રને સુપરત કર્યો હતો. સમિતિના અહેવાલના આધારે જ યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે.

ત્રણ સ્થળો સૌથી વધુ જોખમી હોવાનું સમિતિએ દર્શાવ્યું

તપાસ સમિતિએ પોતાના અહેવાલમાં રેવાપથ પર ત્રણ એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં વરસાદ દરમિયાન પથ્થરો ધસી પડવાની શક્યતા સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ સ્થળોએ કુદરતી રીતે ખડકો અસ્થિર બનતા હોવાના કારણે વરસાદ દરમિયાન જોખમ વધી જાય છે. વહીવટીતંત્રનું માનવું છે કે આ વિસ્તારોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે રાત્રિના સમયે પગપાળા માર્ગ બંધ રાખવો જરૂરી છે.

આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ફાયરિંગથી દોડધામ : PAC જવાનની બંદૂકમાંથી છૂટી ગોળી, ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત

જીઓલોજિકલ અને સિસ્મોલોજીકલ સર્વે હાથ ધરાશે

જિલ્લા વહીવટી તંત્રે તપાસ સમિતિની ભલામણને સ્વીકારી છે અને હવે પાવાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં જીઓલોજિકલ તેમજ સિસ્મોલોજીકલ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ સર્વે દ્વારા ખડકોની સ્થિરતા, ભૂસ્તરીય જોખમ અને ભવિષ્યમાં પથ્થર ધસી પડવાની સંભાવનાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ જરૂરી સુરક્ષા પગલાં, ખડકોને મજબૂત બનાવવાની કામગીરી તથા અન્ય તકેદારીના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.

યાત્રિકોને વહીવટીતંત્રની અપીલ

જિલ્લા વહીવટી તંત્રે પાવાગઢ દર્શન માટે આવતા તમામ યાત્રિકોને જાહેર કરાયેલા સમયપત્રકનું પાલન કરવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રિના પ્રતિબંધિત સમય દરમિયાન પગપાળા માર્ગનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓનું પાલન કરવાથી અકસ્માતો ટાળી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now