Home Gujarat Patan Santalpur Rozu Accident News Today

ઘરથી માત્ર ગણતરીના કિમી દૂર કાળનો કોળિયો : હાજીપીર દર્શન કરી પરત ફરતા પાટણના પરિવારને નડ્યો અકસ્માત.

પાટણ સાંતલપુર રોઝુ અકસ્માત વારાહી ઘાંચી પરિવાર
Published by: Dviti Panchal
Last Updated: Apr 09, 2026, 05:37 PM IST

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોઝુ ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કચ્છના હાજીપીરથી દર્શન કરીને પરત ફરી રહેલા વારાહીના ઘાંચી પરિવારની કારને અકસ્માત નડતા એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ઘરથી ગણતરીના કિલોમીટર દૂર જ કાળ આંટો મારી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

હાજીપીરથી પરત ફરતા નડ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર, વારાહીનો મુસ્લિમ ઘાંચી પરિવાર કચ્છ ખાતે હાજીપીર દરગાહના દર્શન કરીને પોતાની કારમાં પરત ફરી રહ્યો હતો. પરિવાર પોતાના ઘરની એકદમ નજીક પહોંચવા જ આવ્યો હતો, ત્યારે સાંતલપુરના રોઝુ ગામ પાસે તેમની કારને ભયાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેના કારણે કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

એક જ પરિવારની ત્રણ પેઢીના સભ્યોના મોત

આ અકસ્માતમાં વારાહીના પ્રતિષ્ઠિત ઘાંચી પરિવારના ત્રણ પેઢીના સભ્યોના મોત થયા છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:

  1. એમદભાઈ હસનભાઈ ઘાંચી (ઉં.વ. 77)

  2. અક્ષરએમદભાઈ ઘાંચી (ઉં.વ. 47)

  3. મદીનાબેન અક્ષરભાઈ ઘાંચી (ઉં.વ. 46)

  4. જાવેદ અક્ષરભાઈ ઘાંચી (ઉં.વ. 25)

3 વ્યક્તિઓની હાલત ગંભીર

આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારના પતરા ચીરીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર વારાહી પંથક શોકમાં ગરકાવ

પોતાના ઘરથી માત્ર થોડા જ કિલોમીટર દૂર આ પરિવારને કાળનો પંજો ભરખી જતાં વારાહીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે એક જ પરિવારના 4 સભ્યોના જનાજા નીકળવાની ઘટનાથી ઘાંચી સમાજ સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now