Home Gujarat Dahod Bjp No Repeat Theory New Candidates Local Election

દાહોદ ભાજપમાં રાજકીય ભૂકંપ : ‘નો-રિપીટ’ ફોર્મ્યુલાથી 43 નવા ચહેરા મેદાનમાં, દિગ્ગજોના પત્તા કપાયા

દાહોદ ભાજપ જિલ્લા પંચાયત ઉમેદવારોની યાદી અને નો-રિપીટ ફોર્મ્યુલા ૨૦૨૬
Published by: Dviti Panchal
Last Updated: Apr 09, 2026, 04:45 PM IST

દાહોદના રાજકારણમાં આજે મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપે ‘નો-રિપીટ’ ફોર્મ્યુલાનો એવો કડક અમલ કર્યો છે કે વર્ષોથી સત્તામાં રહેલ દિગ્ગજ નેતાઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. પક્ષના આ આક્રમક વલણને કારણે જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

જિલ્લા પંચાયતમાં મોટા પાયે ફેરબદલ

દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 43 બેઠકો પર સંપૂર્ણપણે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. માત્ર 5 વર્તમાન સભ્યોને જ પક્ષે રિપીટ કર્યા છે. રાજકીય વિશ્લેષકો આને ભાજપનું "સિસ્ટમેટિક રીસ્ટ્રક્ચરિંગ" ગણાવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય નવી પેઢીના નેતાઓને તૈયાર કરવાનો છે.

આ પણ વાંચો: વડોદરામાં ભાજપનો 'માસ્ટરસ્ટ્રોક' : લઘુમતી ઉમેદવારોને મળ્યું મોટું પ્રતિનિધિત્વ.

દિગ્ગજ નેતાઓને બહારનો રસ્તો દેખાડાયો

પક્ષના આ નિર્ણયથી અનેક પ્રભાવશાળી નેતાઓની ટિકિટ કપાઈ છે, જેમાં નીચે મુજબના મુખ્ય નામો સામેલ છે:

  • શીતલબેન વાઘેલા: પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ

  • કરણસિંહ ડામોર અને દક્ષાબેન પરમાર: દિગ્ગજ નેતાઓ

  • અરવિંદાબેન પટેલીયા (પૂર્વ ઉપપ્રમુખ) અને સરતન ચૌહાણ

સૌથી વધુ ચર્ચિત નામ પીનલ ભૂરિયાનું છે. ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયાના પરિવાર સાથે જોડાયેલા પીનલ ભૂરિયાની ટિકિટ કપાતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

બાકી રહેલી બેઠકો પર સસ્પેન્સ

હજુ પણ ખંગેલા અને પીપેરો બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીપેરો બેઠક માટે પક્ષ કોઈ નવા અને વિવાદિત પૃષ્ઠભૂમિ ધરાવતા ચહેરા પર વિચારણા કરી રહ્યો હોવાથી નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. આ બેઠકો પરની જાહેરાત આગામી દિવસોમાં નવા સમીકરણો રચી શકે છે.

નગરપાલિકામાં પણ ‘ક્લીન સ્વીપ’

નગરપાલિકાની પસંદગીમાં પણ ભાજપે કડક વલણ અપનાવ્યું છે. 36માંથી 34 વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. માત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે સભ્યો લક્ષ્મીબેન ભાટ અને ઇસ્તીયાક સૈયદ પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા છે. જ્યારે પૂર્વ પ્રમુખ નીરજ દેસાઈ, શ્રદ્ધા ભડંગ અને લખન રાજગોર જેવા પાયાના નેતાઓને પડતા મુકાતા પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળા ભભકી છે.

બળવાની ભીતિ અને ચૂંટણીના નવા સમીકરણો

ટિકિટ ન મળતા નારાજ થયેલા અનેક નેતાઓ હવે અપક્ષ તરીકે અથવા કોંગ્રેસના સાથથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ છે. જો આ દિગ્ગજો બળવો કરે, તો ભાજપની વોટબેંકમાં મોટું ગાબડું પડી શકે છે. કોંગ્રેસ માટે આ સ્થિતિ 'સોનાની તક' સમાન સાબિત થઈ શકે તેમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now