ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વહીવટી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ ઉપરાંત 34 જિલ્લા પંચાયત અને 250 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે જ નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ચૂંટણીઓ માટે તારીખ 26.04.2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
બીજા શનિવારે કચેરીઓ કાર્યરત રહેશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ઉમેદવારો માટે ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 11.04.2026 નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે મહિનાનો બીજો શનિવાર હોવાથી આ દિવસે તમામ સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે. જોકે, ચૂંટણીની પ્રક્રિયા ખોરવાય નહીં અને ઉમેદવારો સમયસર પોતાના ઉમેદવારી પત્ર રજૂ કરી શકે તે હેતુથી આયોગે મહત્વનો વટહુકમ બહાર પાડ્યો છે.
ચૂંટણી અધિકારીઓને હાજર રહેવા આદેશ
આગામી 11.04.2026 ના રોજ બીજા શનિવારની રજા હોવા છતાં તમામ Election Officers અને Assistant Election Officers ની કચેરીઓ નિયમિત સમય મુજબ ખુલ્લી રાખવામાં આવશે. આ દિવસે ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે. આયોગે સ્પષ્ટતા કરી છે કે જે પણ વ્યક્તિઓ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેમણે આ તારીખની ખાસ નોંધ લેવી જેથી અંતિમ દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય.
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પાડવામાં આવેલી આ યાદીમાં તમામ ઉમેદવારોને સમયમર્યાદામાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.





