અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી પકડાયેલા 890 બાંગ્લાદેશી નાગરિકોની તપાસમાં જાણવા મળ્યું છે કે, 100થી વધુ લોકો પાસે કોઈપણ પ્રકારના ઓળખપત્રો હાજર નહોતા. પૂછપરછ દરમિયાન અનેકોએ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશની કબૂલાત કરી છે અને હવે તેમને પાછા મોકલવાની (ડીપોર્ટ કરવાની) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પોલીસે ઝડપાયેલા 550 જેટલા શખ્સો પાસેથી શંકાસ્પદ પાસપોર્ટ હાથ ધર્યા છે, જેના આધારે તેમનાં દસ્તાવેજોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ મળેલા આધારકાર્ડ અને પાનકાર્ડ અંગે પણ તપાસ ચાલી રહી છે કે શું તેઓએ કોઈ એજન્ટની મદદથી આ દસ્તાવેજો બનાવડાવ્યા છે. જો દસ્તાવેજો ખોટી રીતે બનેલા હશે, તો તેમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.
શનિવારે વહેલી સવારે અમદાવાદ પોલીસ દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 890 લોકોની ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ તેમના દસ્તાવેજોની સઘન તપાસ હાથ ધરાઈ છે. હાલ ક્રાઈમ બ્રાંચે શંકાસ્પદ પાસપોર્ટના મામલે વિશિષ્ટ તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે ત્રણથી ચાર એજન્ટો ખોટા દસ્તાવેજોની વ્યવસ્થા કરીને પાસપોર્ટ બનાવડાવતા હતા. ક્રાઈમ બ્રાંચ હાલ એજન્ટોની શોધખોળમાં પણ લાગી છે. સાથે જ પકડાયેલા કેટલાક બાંગ્લાદેશી એવા પણ મળ્યા છે, જેઓ અગાઉ પણ અન્ય વિસ્તારોમાંથી ડીપોર્ટ થઇ ચુક્યા હતા અને પછીથી ફરીથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
અત્યારે, ભારતમાં બનાવાયેલા ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ પ્રવાસ કરનાર બાંગ્લાદેશી નાગરિકોની વિગતો પણ એકઠી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચંડોળા તળાવ વિસ્તારમાં રહેલા પાસપોર્ટ ધારકોની સંખ્યાની પણ તપાસ થવાની છે, કારણ કે પ્રશ્ન છે કે ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતા લોકોને પાસપોર્ટની જરૂરત શું છે? સાથે તેઓએ કેટલા વિદેશી પ્રવાસ કર્યા છે તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. હાલ તમામ મુદ્દાઓ પર ક્રાઈમ બ્રાંચ દ્વારા તીવ્ર તપાસ ચાલી રહી છે.
આ વચ્ચે, શનિવારે રાત્રે 2:15 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ દરમ્યાન પાંચ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. જેમાં એક દંપતી, તેમના બે બાળકો અને એક અન્ય શખ્સનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા હતા અને કચરો ભેગો કરવાનું કામ કરતા હતા, જ્યારે એક વ્યક્તિ સુરતમાં ભિક્ષા માગતો હતો.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





