નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. સંસદ ભવન એનેક્સીમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા), તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK સહિત વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી હતી, જ્યારે સરકાર અને વિપક્ષ બંનેએ પોતાના એજન્ડા સ્પષ્ટ કર્યા હતા. બેઠક પહેલાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ તમામ રાજકીય પક્ષોને સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સંસદ દેશના તમામ પક્ષોની છે અને સતત હોબાળો કરવાથી કોઈને ફાયદો થતો નથી. તેમણે રચનાત્મક ચર્ચા દ્વારા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
25 દિવસના સત્રમાં 19 બેઠકો, સરકાર લાવશે 7 બિલ
18મી લોકસભાનું નવમું સંસદીય સત્ર એટલે કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલશે. 25 દિવસ દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કુલ 19 બેઠકો યોજાશે. આ સત્ર દરમિયાન મોદી સરકાર સાત મહત્વના બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત બિલોમાં રાષ્ટ્રગાન, વંદે માતરમ અને સંવિધાનના અપમાન સંબંધિત કાયદામાં સુધારા, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવો સામેલ છે. સરકારનું કહેવું છે કે આ બિલો પર વ્યાપક ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.
વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે
ચોમાસુ સત્રના પહેલા જ દિવસથી સરકાર અને વિપક્ષ વચ્ચે તીખી ટક્કર જોવા મળી શકે છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ NEET-UG પરીક્ષા ગેરરીતિ, મોંઘવારી, ઇથેનોલ નીતિ, વિદેશ નીતિ, રામ મંદિરના ચઢાવાની ચોરી અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ જણાવ્યું હતું કે સરકારને વિદ્યાર્થીઓના હિત, પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અને વધતી મોંઘવારી જેવા મુદ્દાઓ પર સંસદમાં જવાબ આપવો પડશે.
કેટલાક મહત્વના બિલ હજુ સમિતિ સમક્ષ
સરકારે ચોમાસુ સત્ર માટે સાત બિલની યાદી જાહેર કરી છે, પરંતુ કેટલાક મહત્વના પ્રસ્તાવો હજુ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ વિચારાધીન હોવાથી આ સત્રમાં રજૂ થાય તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. 'એક દેશ-એક ચૂંટણી' બિલ, કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) વિધેયક તેમજ 30 દિવસથી વધુ જેલમાં રહેનારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની પાત્રતા સંબંધિત પ્રસ્તાવ પર JPCમાં ચર્ચા ચાલી રહી છે. સમિતિએ આ બિલો અંગે વધુ ચર્ચા અને હિતધારકો સાથે પરામર્શ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
સીમાંકન અને મહિલા અનામત બિલ પર સરકારનું ગણિત
સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલને લઈને પણ રાજકીય ચર્ચા તેજ બની છે. આ પ્રકારના બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી હોવાથી સરકાર સમર્થનનું ગણિત મજબૂત કરવા પ્રયાસ કરી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ લોકસભામાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બહુમતીના અભાવે પસાર થઈ શક્યું નહોતું. હવે સરકાર વિવિધ પક્ષો સાથે ચર્ચા કરીને વ્યાપક સહમતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: NEET ગેરરીતિ મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ : ડોક્ટર બોડી FAIMAએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર; NTAમાં મોટા સુધારાની અપીલ
બદલાયેલા રાજકીય સમીકરણો પર પણ નજર
આ ચોમાસુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર જોવા મળી શકે છે. તાજેતરમાં TMC, આમ આદમી પાર્ટી (AAP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં થયેલા રાજકીય ફેરફારોને કારણે બંને ગૃહોમાં બેઠકોની નવી ગોઠવણી કરવામાં આવશે. સંસદનું આ સત્ર માત્ર કાયદાકીય એજન્ડા પૂરતું જ નહીં, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચેના રાજકીય ટકરાવનું મહત્વપૂર્ણ મંચ પણ બની શકે છે. તેથી આગામી દિવસોમાં સંસદની કાર્યવાહી પર સમગ્ર દેશની નજર રહેશે.






