Home National Faima Letter President Neet Irregularities Nta Reforms July 2026

NEET ગેરરીતિ મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ : ડોક્ટર બોડી FAIMAએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર; NTAમાં મોટા સુધારાની અપીલ

NEET પરીક્ષામાં ગેરરીતિ અંગે વિરોધ પ્રદર્શન
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 19, 2026, 07:19 AM IST

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં વારંવાર સામે આવી રહેલા ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. સંગઠને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચસ્તરીય સ્વતંત્ર તપાસ તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં માળખાકીય સુધારાની માંગ કરી છે. FAIMAએ પોતાના પત્રમાં કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જવાબદારી નક્કી કરવાની અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે NEET પરીક્ષાને લઈને સતત ઉઠતા વિવાદોએ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોનો પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ ગંભીર રીતે હચમચાવી દીધો છે.


વિદ્યાર્થીઓ પર ગંભીર માનસિક અસરની ચિંતા

FAIMAએ જણાવ્યું છે કે NEETમાં ગેરરીતિ અને પેપર લીકના વારંવારના આરોપોના કારણે વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ ફેલાયો છે. સંગઠનના જણાવ્યા મુજબ, આ વિવાદો બાદ કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જે પરીક્ષા વ્યવસ્થાની ખામીઓની ગંભીરતા દર્શાવે છે. સંગઠને જણાવ્યું કે તેણે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ કરી છે. અરજીમાં NTAની જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વ્યાપક સુધારાની માંગ કરવામાં આવી છે.

NTAના પુનર્ગઠનની માંગ

FAIMAએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે NEETમાં થયેલી તમામ ગેરરીતિ અને પેપર લીકના આરોપોની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે. સાથે જ પરીક્ષા આયોજનમાં થયેલી બેદરકારી માટે જવાબદારો સામે વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવે. સંગઠનનું માનવું છે કે જો સુધારાત્મક પગલાં છતાં NTAમાં વારંવાર નિષ્ફળતા જોવા મળે તો એજન્સીને વિસર્જિત કરીને તેનું પુનર્ગઠન કરવા અથવા તેના સ્થાને વધુ મજબૂત અને વિશ્વસનીય સંસ્થાકીય માળખું ઉભું કરવા અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

સોનમ વાંગચુકના આરોગ્ય અંગે પણ વ્યક્ત કરી ચિંતા

FAIMAએ પોતાના પત્રમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે. સંગઠને જંતર-મંતર ખાતે તેમના ઉપવાસ દરમિયાન તેમને બળજબરીથી હટાવવામાં આવ્યા હોવાની ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને માંગ કરી છે કે હોસ્પિટલમાં દાખલ વાંગચુકના આરોગ્ય અંગે દરરોજ સવારે અને સાંજે સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવે. સાથે જ તેમની સારવાર સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે અને તેમની માન-મર્યાદા, કાનૂની અધિકારો તથા લોકશાહી સ્વતંત્રતાનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવે. FAIMAએ એ પણ કહ્યું છે કે વાંગચુકના પરિવારજનો અને તેમના અધિકૃત પ્રતિનિધિઓને તેમના આરોગ્ય અંગે નિયમિત માહિતી આપવામાં આવવી જોઈએ.

આ પણ વાંચો: હોસ્પિટલમાં પણ ચાલુ રહ્યું સોનમ વાંગચુકનું આમરણ અનશન : પત્નીએ દેશને કરી ભાવુક અપીલ, જંતર-મંતરથી સંસદ કૂચની તૈયારી

રાષ્ટ્રપતિના હસ્તક્ષેપથી વિશ્વાસ વધશે: FAIMA

સંગઠનનું માનવું છે કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પરથી સમયસર હસ્તક્ષેપ થશે તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય નાગરિકોમાં પરીક્ષા પ્રણાલી પ્રત્યે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.

FAIMAએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે જવાબદારી, પારદર્શિતા અને ન્યાય એ દેશની લોકશાહી સંસ્થાઓના મૂળભૂત સિદ્ધાંતો છે અને વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now