ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. ટોક્યોમાં રમાયેલી મહિલા સિંગલ્સની ફાઈનલમાં સિંધુએ વિશ્વની ત્રીજા ક્રમાંકિત જાપાનની અકાને યામાગુચીને 21-17, 21-17થી સીધા સેટમાં હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે સિંધુએ પોતાની કારકિર્દીનો પ્રથમ BWF સુપર-750 ટાઇટલ જીત્યો છે.
લાંબા સમય બાદ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ટ્રોફી જીતતા સિંધુ માટે આ વિજય ખાસ રહ્યો હતો. નિર્ણાયક પોઈન્ટ જીત્યા બાદ યામાગુચીનો છેલ્લો શોટ કોર્ટની બહાર પડતાં જ સિંધુ કોર્ટ પર ઘૂંટણિયે બેસી ગઈ હતી. તેણે બંને હાથથી ચહેરો ઢાંકી દીધો અને તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા. આ દૃશ્યે દર્શકોને પણ ભાવુક કરી દીધા હતા.
ઘણા લોકોએ પૂછ્યું હતું, 'શું મારી કારકિર્દી પૂરી થઈ ગઈ?'
જીત બાદ BWF સાથે વાત કરતાં પીવી સિંધુએ કહ્યું કે આ વિજય તેના માટે ખૂબ જ મહત્વનો હતો. તેણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તે સતત મહેનત કરી રહી હતી, પરંતુ અપેક્ષિત પરિણામ મળતા નહોતા. જેના કારણે ઘણા લોકો તેની કારકિર્દી અંગે સવાલો ઉઠાવી રહ્યા હતા.
સિંધુએ કહ્યું, "લોકો પૂછતા હતા કે શું થઈ રહ્યું છે? શું મારી કારકિર્દી પૂરી થઈ ગઈ? પરંતુ મને મારા પર, મારા પરિવાર અને મારા કોચ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આજે આ જીત એ વિશ્વાસનું પરિણામ છે."
તેણે આ સફળતાનો શ્રેય પોતાના કોચ, માતા-પિતા અને પતિને આપ્યો હતો. સિંધુએ કહ્યું કે મુશ્કેલ સમય દરમિયાન પરિવાર અને કોચિંગ સ્ટાફે સતત તેનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો.
2019 બાદ મોટી ટ્રોફી જીતવામાં મળી સફળતા
પીવી સિંધુ માટે આ જીત અનેક રીતે ખાસ છે. વર્ષ 2019 બાદ પહેલીવાર તેણે સુપર-750 સ્તરની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇજાઓ અને ફોર્મમાં ઉતાર-ચઢાવના કારણે સિંધુ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી. જોકે જાપાન ઓપનમાં તેણે ફરી એકવાર વિશ્વને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે.
સિંધુએ જણાવ્યું કે ફાઈનલ સુધી પહોંચવું એક વાત છે, પરંતુ પોડિયમ પર ઊભા રહી ગોલ્ડ જીતવાનો અનુભવ સંપૂર્ણપણે અલગ હોય છે. આ જીતથી તેનો આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો છે.
આ પણ વાંચો: ટ્રમ્પની હાજરી વચ્ચે FIFA ફાઇનલ પહેલાં સ્ટાર્સનો ભવ્ય શો : ટોમ ક્રૂઝથી શકીરા સુધી કોણ-કોણ કરશે પર્ફોર્મ? જાણો સંપૂર્ણ માહિતી
વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાં ભારત માટે સારા સંકેત
જાપાન ઓપનની આ જીત સાથે પીવી સિંધુ હવે વિશ્વ રેન્કિંગમાં ટોચના સાત ખેલાડીઓમાં ફરી સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઈ છે. આગામી મહિને દિલ્હીમાં યોજાનારી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાં સિંધુનું આ ફોર્મ ભારતીય બેડમિન્ટન માટે સારા સંકેત માનવામાં આવી રહ્યું છે.
ભારતીય બેડમિન્ટન ચાહકોને આશા છે કે જાપાન ઓપનની આ જીત સિંધુના નવા સુવર્ણ અધ્યાયની શરૂઆત સાબિત થશે અને તે આગામી મોટી ટૂર્નામેન્ટોમાં પણ દેશ માટે વધુ મેડલ જીતશે.





