FIFA World Cup 2026 : ફૂટબોલ જગતની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ FIFA વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી છે. ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાનારી મહાફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો મુકાબલો સ્પેન સામે થશે. પરંતુ માત્ર ફાઇનલ જ નહીં, મેચ પહેલાં યોજાનારી ક્લોઝિંગ સેરેમની અને પ્રથમ વખત યોજાનારો હાફટાઇમ શો પણ વિશ્વભરના કરોડો દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. FIFA દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, મેચ પહેલાં યોજાનારી ક્લોઝિંગ સેરેમનીમાં હોલીવુડ, સંગીત અને ડિજિટલ મનોરંજન જગતના અનેક આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ હાજર રહેશે. આ સમારોહ ફૂટબોલ, સંગીત અને વૈશ્વિક એકતાની ઉજવણી તરીકે રજૂ કરવામાં આવશે અને વર્લ્ડ કપની 48 ટીમોની સફરને શ્રદ્ધાંજલિ આપશે.
ટોમ ક્રૂઝથી જેનિફર હડસન સુધી અનેક સ્ટાર્સ રહેશે હાજર
ક્લોઝિંગ સેરેમનીમાં હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખાસ હાજરી આપશે. ઉપરાંત લૌરા પાઉસિની, નિકોલ શેર્ઝિંગર, રોબી વિલિયમ્સ અને લોકપ્રિય યુટ્યુબર IShowSpeed પોતાના પર્ફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરશે. અમેરિકાની પ્રખ્યાત ગાયિકા અને એમી, ગ્રેમી, ઓસ્કાર તથા ટોની એવોર્ડ વિજેતા જેનિફર હડસન અમેરિકાનું રાષ્ટ્રગીત રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સર્જનાત્મક નિર્માણ બાલિચ વન્ડર સ્ટુડિયોએ કર્યું છે. FIFA વર્લ્ડ કપ 2026ના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેઇમો શિર્ગીએ જણાવ્યું છે કે આ સમાપન સમારોહ સંગીત, સંસ્કૃતિ અને ફૂટબોલના સંગમ દ્વારા સમગ્ર ટૂર્નામેન્ટની યાદગાર સફરને ઉજવશે અને ત્યારબાદ વિશ્વ ચેમ્પિયન નક્કી કરતી ફાઇનલનો પ્રારંભ થશે.
આ પણ ખાસ વાંચો : વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં મેસ્સીની ભાવુક પોસ્ટ : શું આજે આર્જેન્ટિનાની જર્સીમાં મેસ્સીની રમશે છેલ્લી મેચ? ફૂટબોલ જગતમાં હલચલ
પ્રથમ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં હાફટાઇમ શો
આ વર્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે FIFA પ્રથમ વખત વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન સુપર બાઉલની શૈલીમાં હાફટાઇમ શો યોજી રહ્યું છે. આ શોમાં જસ્ટિન બીબર, મેડોના, શકીરા અને BTS મુખ્ય કલાકારો તરીકે પર્ફોર્મ કરશે. તેમની સાથે બર્ના બોય, પ્રખ્યાત ઓર્કેસ્ટ્રા કન્ડક્ટર ગુસ્તાવો ડુડામેલ અને PS22 કોરસ પણ કાર્યક્રમનો ભાગ બનશે. આ કાર્યક્રમનું કલાત્મક માર્ગદર્શન કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન અને ગ્લોબલ સિટિઝનના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
હાફટાઇમ કેટલો લાંબો રહેશે?
શરૂઆતમાં હાફટાઇમને 25થી 30 મિનિટ સુધી લંબાવવાની અટકળો ચાલી રહી હતી. જોકે અંતિમ અપડેટ મુજબ FIFAએ હાફટાઇમને અંદાજે 17 મિનિટ સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો છે, જેથી ખેલાડીઓની રમતની લય પર વધારે અસર ન પડે. આ નિર્ણયથી IFABના નિયમોને લઈને ઉઠેલા પ્રશ્નો પણ ઘણા અંશે શાંત થયા છે.
આ પણ ખાસ વાંચો : ઈંગ્લેન્ડ સામેની નિર્ણાયક ODIમાં ભારતે કર્યા 3 મોટા ફેરફાર : લોર્ડ્સમાં ભારત સામે 22 વર્ષનો પડકાર, ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી
ટ્રમ્પ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાની શક્યતા
ફાઇનલ મેચમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહે તેવી FIFAએ પુષ્ટિ કરી છે. ટ્રમ્પ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવાની પ્રક્રિયામાં પણ સામેલ થઈ શકે છે. ઉપરાંત કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબાઉમ, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ અને સ્પેનના રાજા ફેલિપ VI સહિત અનેક મહાનુભાવો સ્ટેડિયમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
ભારતમાં ક્યારે જોઈ શકશો?
ભારતીય દર્શકો માટે ક્લોઝિંગ સેરેમની રાત્રે લગભગ 11 વાગ્યે (IST) શરૂ થશે. સ્થાનિક સમય અનુસાર કાર્યક્રમ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ તેના લગભગ 90 મિનિટ બાદ શરૂ થશે. FIFAએ સ્ટેડિયમમાં આવનારા દર્શકોને સમયસર પહોંચવાની અપીલ પણ કરી છે કારણ કે કાર્યક્રમમાં ચાહકોની સક્રિય ભાગીદારી પણ રહેશે.





