નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજથી સત્તાવાર પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા અને દેશને સંબોધિત કરતાં તમામ રાજકીય પક્ષોને સકારાત્મક ચર્ચા અને લોકહિતના મુદ્દાઓ પર રચનાત્મક સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આ સમગ્ર સત્ર શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચાલશે તેમજ દેશના વિકાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા થશે.
પ્રધામંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંસદ માત્ર કાયદા બનાવવાનું મંચ નથી, પરંતુ દેશની જનતાની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે સંસદ. તેમણે કહ્યું કે સરકાર દરેક મહત્વના મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે અને તમામ પક્ષોના સહયોગથી લોકહિતના નિર્ણયો લેવામાં આવશે.
'સત્ર સારી રીતે ચાલે તેવી અપેક્ષા'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ આશા રાખે છે કે સંસદનું આ ચોમાસુ સત્ર વિવાદો કરતાં વધુ ચર્ચા, સંવાદ અને ઉકેલ માટે ઓળખાશે. તેમણે તમામ સાંસદોને લોકહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને સંસદના કિંમતી સમયનો સદુપયોગ કરવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે દેશના કરોડો લોકો સંસદ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. તેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જનતાના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને રાષ્ટ્રીય હિતના વિષયો પર ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે રચનાત્મક ચર્ચા લોકશાહીની સૌથી મોટી તાકાત છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન : લો ગાર્ડન પાસે પોલીસ સાથે ઘર્ષણ; અનેકની અટકાયત
'છેલ્લો એક મહિનો દેશ માટે ગર્વની ક્ષણોથી ભરેલો રહ્યો'
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં છેલ્લા એક મહિનાની વિવિધ રાષ્ટ્રીય સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશ માટે અનેક ગૌરવપૂર્ણ ક્ષણો આવી છે, જેણે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમણે જણાવ્યું કે ભારતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ભારતીયોની સિદ્ધિઓએ દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. આ સિદ્ધિઓ માત્ર સરકારની નહીં પરંતુ 140 કરોડ ભારતીયોની સામૂહિક સફળતા હોવાનું તેમણે જણાવ્યું.
'ભારતે અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો'
પ્રધામંત્રીને ભારતીય અંતરિક્ષ ક્ષેત્રની ઉપલબ્ધિઓનો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા સમયમાં ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક સફળતાઓ પ્રાપ્ત કરી છે અને વિશ્વમાં પોતાની વૈજ્ઞાનિક ક્ષમતાનો વધુ એક વખત પરિચય કરાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતે અંતરિક્ષમાં તિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વની અનુભૂતિ કરાવી છે. તેમણે ભારતીય વૈજ્ઞાનિકો, સંશોધકો અને અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આ સફળતાઓ નવા ભારતની ક્ષમતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દીપડાની દસ્તકથી દહેશત! : શહેરના પોશ વિસ્તારની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, CCTV સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ
સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાની સંભાવના
ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અનેક મહત્વના વિધેયકો અને નીતિગત મુદ્દાઓ રજૂ કરે તેવી શક્યતા છે. બીજી તરફ વિપક્ષ પણ વિવિધ રાજકીય અને જાહેર હિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. જેના કારણે આ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને ગરમાગરમ વાદ-વિવાદ જોવા મળી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ સત્રમાં અર્થવ્યવસ્થા, મોંઘવારી, રોજગાર, કૃષિ, શિક્ષણ, આંતરિક સુરક્ષા અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે. સરકાર તરફથી પણ વિવિધ સુધારાત્મક બિલ રજૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંસદ સત્રનું મહત્વ
ચોમાસુ સત્ર સંસદના વર્ષના સૌથી મહત્વપૂર્ણ સત્રોમાંનું એક માનવામાં આવે છે. આ દરમિયાન અનેક મહત્વના કાયદાકીય પ્રસ્તાવો, નાણાકીય મુદ્દાઓ અને જાહેર હિત સાથે જોડાયેલા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવે છે. વિવિધ મંત્રાલયો પોતાના કામકાજ અંગે માહિતી આપે છે અને સાંસદોને સરકારને પ્રશ્ન પૂછવાની તક મળે છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં પ્રશ્નકાળ, શૂન્યકાળ અને વિવિધ બિલો પર ચર્ચા થવાની છે. દેશના વિવિધ વર્ગોને અસર કરતા મુદ્દાઓ પર સરકારનું વલણ અને વિપક્ષના પ્રશ્નો આ સત્રનું મુખ્ય આકર્ષણ રહેશે.
દેશની નજર સંસદ પર
દેશભરના લોકોની નજર હવે સંસદના આ ચોમાસુ સત્ર પર છે. સરકાર વિકાસલક્ષી એજન્ડા આગળ ધપાવવા માંગે છે, જ્યારે વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબ માંગશે. આવી સ્થિતિમાં સત્ર કેટલું સુચારુ ચાલે છે અને કેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનના અંતમાં ફરી એકવાર તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ મતભેદો હોવા છતાં લોકહિતના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સત્ર દેશના વિકાસને નવી દિશા આપનારા નિર્ણયો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.