બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરની શાન ગણાતી અને વર્ષો જૂની જિલ્લા અદાલતને શહેરની બહાર જગાણા ખાતે ખસેડવાના પ્રસ્તાવ સામે હવે કાયદાના રક્ષકો જ મેદાને ઉતર્યા છે. પાલનપુર બાર એસોસિએશન દ્વારા આક્રમક વલણ અપનાવીને આજે કોર્ટ સંકુલમાં જ વિશાળ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 1000થી વધુ વકીલોએ સ્વયંભૂ જોડાઈને સરકાર અને ન્યાયતંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોની સ્પષ્ટ માંગ છે કે જનતાની સુવિધા માટે કોર્ટનું સ્થળાંતર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વકીલોમાં આક્રોશ
બનાસકાંઠા જિલ્લા કોર્ટ સહિત તમામ નાની-મોટી અદાલતોને પાલનપુર શહેરના હૃદય સમાન વિસ્તારમાંથી હટાવીને અંદાજે 8 થી 10 કિલોમીટર દૂર જગાણા નજીક લઈ જવાની હિલચાલ છેલ્લા કેટલાક સમયથી તેજ બની છે. આ નિર્ણયની જાણ થતા જ વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વકીલોનું કહેવું છે કે, આ માત્ર ભવન બદલવાની વાત નથી, પરંતુ સામાન્ય માણસ માટે ન્યાયની પ્રક્રિયાને મોંઘી અને જટિલ બનાવવાનો પ્રયાસ છે.
"આ નિર્ણય કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી" : સિનિયર વકીલ એસ પી ઠાકોર
સિનિયર વકીલ એસ પી ઠાકોરે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું, "આ નિર્ણય પ્રજાના હિતમાં નથી, સામાન્ય આમ જનતાને આનાથી ઘણી મોટી હાડમારી ઊભી થશે. તેમને પૈસા, સમય અને બીજી ઘણી જ તકલીફોનો સામનો કરવો પડશે."
"આ નિર્ણય કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી અને 'ન્યાય સસ્તો આપવાની' અથવા 'ઘરે-ઘરે ન્યાય પહોંચાડવાની' જે વ્યવસ્થાની વાતો છે, આ નિર્ણય એ વ્યવસ્થાનો પણ ભંગ કરે છે. એટલા માટે આ હિલચાલ તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ, નહીંતર અમે પ્રતીક ઉપવાસ કરીશું અને વકીલ આલમ આનો સખત વિરોધ કરશે."
"અગાઉ ત્રણ વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ" : બાર એસોસિએશન મંત્રી પ્રકાશ ધારવા
બાર એસોસિએશન મંત્રી પ્રકાશ ધારવાએ જણાવ્યું કે, "આજે અમે પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે... અગાઉ ત્રણ વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ. અમે ઘણા કાર્યક્રમો અને રજૂઆતો કરી છે."
"કોર્ટ 'જગાણા' (Jagana) ખાતે લઈ જવા માટે જગ્યા ફાળવી છે અને ત્યાં જ લઈ જવાની છે, તેના ભાગરૂપે આજે અમે આ પ્રતિક ધરણા યોજ્યા છે. આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવો પણ થાય અને તેમાં પાલનપુરની જનતા પણ જોડાશે અને જુદા-જુદા સંગઠનો પણ જોડાશે."
એક વાતનો વાંધો એ છે કે, કલેક્ટર કચેરી અહીંયા છે, જિલ્લા પંચાયત પણ અહીંયા જ છે અને બીજી કચેરીઓ પણ અહીંયા જ છે, તો ફક્ત કોર્ટને જ ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે. એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા જ રહે."
"...તો પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય (નાશ) થઈ જાય" : બાર એસોસિએસન પ્રમુખ
બાર એસોસિએસન પ્રમુખ ભાવેશ રાવલે પણ પોતાનો વિરોધ વ્યક્ત, "અમારી માંગ એવી છે કે છેલ્લા ત્રણ વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, તેની ડિસ્ટ્રિક્ટ કોર્ટને જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે."
તેમણે વધુમાં કહ્યું, "તે માટે છેલ્લા ત્રણ વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે. પાલનપુરના જુદા જુદા સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો અને નાના-મોટા લારી-ગલ્લાવાળા, બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ તથા ગુજરાત સરકારને મોકલાવી છે."
"છતાં પણ હજુ કોર્ટ અહીંયાથી લઈ જવાની હિલચાલ ફરી ચાલુ કરી છે, જેની સામે અમારો સખત વિરોધ છે. અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, પણ પક્ષકારો માટે અને પાલનપુર શહેર માટે લડી રહ્યા છે. જો અહીંયાથી કોર્ટ જતી રહે તો પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય (નાશ) થઈ જાય. જે નાના લોકો પાલનપુરમાં રોજગારી મેળવે છે તે પણ પૂરી થઈ જાય," એમ તેમણે ઉમેર્યું.
વધુમાં તેમણે ઉમેર્યું, "અમે અહીંના નેતાને પણ વારંવાર રજૂઆત કરી છે. બીજું, જગાણા ગામ એ બનાસકાંઠા લોકસભામાં નથી આવતું, તે પાટણ લોકસભામાં આવે છે. કોઈપણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેના જિલ્લાના હેડક્વાર્ટર પર જ હોવી જોઈએ. અહીં ઘણી સરકારી જગ્યાઓ છે, તો ત્યાં બહુમાળી બિલ્ડિંગ બનાવીને અમારી કોર્ટ પાલનપુર ખાતે જ રાખવી જોઈએ, તેવી અમારી માંગ છે અને ત્યાં સુધી અમે લડી લેવાના છીએ."
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : "લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે" - કોંગ્રેસના તંત્ર પર ગંભીર પ્રહાર
આંદોલનની આગામી વ્યૂહરચના
આજના ધરણા માત્ર એક શરૂઆત છે તેવી ચીમકી વકીલોએ ઉચ્ચારી છે. જો આગામી 15 દિવસમાં આ નિર્ણય સ્થગિત કરવામાં નહીં આવે, તો બનાસકાંઠાના તમામ તાલુકા મથકોના વકીલો પણ આ લડતમાં જોડાશે. વકીલોએ જેલમાં ભરો આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળની પણ તૈયારી દર્શાવી છે. સાથોસાથ પાલનપુરના વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ પણ વકીલોને સમર્થન જાહેર કર્યું છે, જેનાથી આ મુદ્દો હવે જન-આંદોલનનું સ્વરૂપ પકડી રહ્યો છે.





