લોકશાહી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા આજે ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે કચેરી પરિસરમાં રાજકીય માહોલ ગરમાયો હતો.
ધરણા દરમિયાન કોંગ્રેસ દ્વારા સરકાર અને ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિવિધ મુદ્દાઓ ઉઠાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ સાથે સરકાર પર નિશાન સાધ્યું હતું.
આ દરમિયાન પોલીસે ધરણા કરી રહેલા આગેવાનોને કચેરી બહાર જવાની સૂચના આપતા થોડીવાર માટે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. જોકે થોડા સમય બાદ બંને પક્ષ વચ્ચે સમજુતી થતા મામલો થાળે પડ્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મુદ્દે ત્યાં હાજર ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ મનહરસિંહ ગોહિલે આક્ષેપો કર્યા કે,"લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ અંતર્ગત આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી ચાલી રહી છે, તેમાં લોકશાહીના મૂલ્યોનું એકદમ લોકશાહીના મૂલ્યોને સાવ નેવે પર મૂકી દીધા હોય એવી રીતે અત્યારે ચૂંટણી પંચ અને સરકારી તંત્ર ઉપયોગ કરી રહ્યું છે."
"સરેઆમ લોકશાહીનું ખૂન"
તેમણે ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું, "ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ તંત્ર હોય કે પોલીસના અધિકારીઓ હોય, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા, એમને ધાક-ધમકી આપવી, એવા અનેક ખોટી એફ.આઈ.આર (FIR) કરવી, એવા અત્યારે બનાવો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બની રહ્યા છે. ત્યારે આ સરેઆમ લોકશાહીનું ખૂન થઈ રહ્યું હોય એવું ચોખ્ખું દેખાય છે."
તેમણે વધુમાં જણાવ્યું, "ચૂંટણી પંચને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી એટલે અમારી એક જ માંગણી છે આ ધરણા દ્વારા કે, આ ગુજરાતના દરેક મતદારોનો હક છે મતદાન કરવું અને દરેક નાગરિકનો પણ હક છે. તો એ હક છીનવાય નહીં એ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સજ્જ રહેશે અને અમારી આ લડત ચાલુ રહેશે."
આ પણ વાંચો: ચુંટણી ટાણે સાબરકાંઠામાં ભાજપને મોટો ઝટકો : પાર્ટીના જાણીતા મહિલા ઉમેદવાનું અવસાન
આગળ તેઓ બોલ્યા, "અને આવા અધિકારીઓ અને આવા જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે એના ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહીશું. અને ભાજપનો ખેસ પહેરવાનું બાકી રહ્યું હોય એ કરતા ભાજપનો ખેસ પહેરીને જ સામે આવોને એટલે ખ્યાલ આવે! એટલે ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે એમાં સરકારી તંત્રએ વચ્ચે ન આવવાનું હોય, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એ સૌની જવાબદારી છે."






