Home Gujarat Surat Surat Bjp Candidate Sudha Pandey Degree Controversy Clarification

MA પછી BA માટે ટ્રોલ થવા પર સુધા પાંડેનો ખુલાસો : કહ્યું-ઉતાવળમાં ભૂલ થઇ ગઈ, 1997માં BA અને 1999માં M.A કર્યાની સ્પષ્ટતા

Surat BJP Sudha Pandey Degree Controversy
Published by: Nirali Gohil
Last Updated: Apr 17, 2026, 10:37 AM IST

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 29 માં ભાજપના ઉમેદવાર સુધા પાંડેની ડિગ્રીને લઈને ભારે હોબાળો મચ્યો છે. ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલી શૈક્ષણિક વિગતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દસ્તાવેજો વચ્ચે મોટી વિસંગતતા જોવા મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષો દ્વારા આ મામલે તપાસની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે ઉમેદવારે તેને માત્ર એક 'ટાઈપિંગ ભૂલ' ગણાવી છે.

બી.એ. પહેલા એમ.એ.? વાયરલ દસ્તાવેજોએ ચર્ચા જગાડી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી મુજબ, સુધા પાંડેએ વર્ષ 1990માં ધોરણ 12 અને 1997માં જબલપુરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાંથી બી.એ. (B.A.) ની ડિગ્રી મેળવી હોવાનું જણાવાયું છે. જોકે, વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એવો દાવો કરવામાં આવ્યો કે તેમણે બી.એ. પૂર્ણ કર્યા પહેલા જ એમ.એ. (M.A.) ની ડિગ્રી મેળવી લીધી હતી. આ તાર્કિક વિસંગતતાને પગલે સોશિયલ મીડિયામાં લોકો તેમની શૈક્ષણિક લાયકાતની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

ઉતાવળમાં ‘9’ ના બદલે ‘6’ છપાઈ ગયો: સુધા પાંડેની સ્પષ્ટતા

આ સમગ્ર વિવાદ પર મૌન તોડતા ભાજપના ઉમેદવાર સુધા પાંડેએ જણાવ્યું હતું કે, તેમની પાસે 1999ની એમ.એ.ની ડિગ્રી છે. તેમણે ખુલાસો કર્યો કે, "રાત્રે ટિકિટ જાહેર થઈ અને સવારે ફોર્મ ભરવાની ઉતાવળ હતી. ફોર્મ ભરતી વખતે ઘણી ભીડ હતી, જેના કારણે ટાઈપિંગમાં વર્ષ '1999' ના બદલે છેલ્લો અંક '6' છપાઈ ગયો હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે આ માત્ર એક ક્લાર્ક અથવા ઉતાવળના કારણે થયેલી ભૂલ છે અને તેમની પાસે તમામ અસલી દસ્તાવેજો હાજર છે.

આ પણ વાંચો: "સુરતના ખૂણે-ખૂણેથી તાયફા કરનારાઓનો સફાયો કરજો" : કતારગામમાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

ચૂંટણી અધિકારીની ભૂમિકા પર વિપક્ષના સવાલ

સુધા પાંડેએ પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં વિરોધ પક્ષે આ મુદ્દાને છોડ્યો નથી. વિપક્ષી નેતાઓ એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ઉમેદવારી ફોર્મમાં આટલી મોટી વિસંગતતા હતી, તો ચૂંટણી અધિકારીએ ચકાસણી કર્યા વગર ફોર્મ કેવી રીતે મંજૂર કર્યું? આ મામલે વિરોધ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજકીય માહોલ ગરમાયો, સૌની નજર તપાસ પર

ચૂંટણીના આરે જ ભાજપના ઉમેદવાર વિવાદમાં ફસાતા વોર્ડ નંબર 29 માં રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપ માટે આ સ્થિતિ થોડી અસ્વસ્થતા પેદા કરનારી છે, જ્યારે વિપક્ષ આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જઈને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ ટેકનિકલ ભૂલને ગ્રાહ્ય રાખશે કે પછી કોઈ કડક પગલાં લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now