Home Gujarat Surat Harsh Sanghavi Surat Katargam Public Meeting Speech

"સુરતના ખૂણે-ખૂણેથી તાયફા કરનારાઓનો સફાયો કરજો" : કતારગામમાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

Surat Harsh Sanghavi
Published by: Nirali Gohil
Last Updated: Apr 17, 2026, 09:45 AM IST

સુરત: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવતી એક મહત્વની જનસભા સુરતના કતારગામ વિસ્તારમાં યોજાઈ હતી. વોર્ડ નંબર 7 માં આયોજિત આ જનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે હર્ષ સંઘવીએ પોતાના આગવા અંદાજમાં વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા અને વિકાસના મુદ્દે તેમને ખુલ્લી ચેતવણી આપી હતી.

સરકારી શાળાઓમાં એડમિશનની લાઈનો એ જ અમારો વિકાસ

જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા વારંવાર રાજ્યની સરકારી શાળાઓની સ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવે છે. પરંતુ સત્ય જાણવા માટે તેમણે એકવાર વરાછા અને કતારગામની સરકારી શાળાઓની મુલાકાત લેવી જોઈએ. તેમણે ગર્વ સાથે દાવો કર્યો હતો કે, આજે ગુજરાતની સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતા પણ વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે અને એટલે જ આજે ત્યાં એડમિશન મેળવવા માટે લાંબી લાઈનો લાગે છે. આ બદલાવ જ વિકાસનો ખરો સંકેત છે.

આદિવાસી વિસ્તારોના વિકાસનો ઉલ્લેખ

શહેરી વિકાસની સાથે સાથે તેમણે અંતરિયાળ વિસ્તારોમાં થયેલા કાર્યો પર પણ પ્રકાશ પાડ્યો હતો. હર્ષ સંઘવીએ આદિવાસી વિસ્તારોમાં ઉભી થયેલી અત્યાધુનિક સરકારી શાળાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડવાનું કાર્ય ભાજપ સરકારે કર્યું છે. વિપક્ષે નકારાત્મકતા ફેલાવવાના બદલે જમીની હકીકત જોવી જોઈએ.

આ પણ વાંચો: ચુંટણી ટાણે સાબરકાંઠામાં ભાજપને મોટો ઝટકો : પાર્ટીના જાણીતા મહિલા ઉમેદવાનું અવસાન

‘ગેરવ્યવસ્થા ફેલાવનારાનો સફાયો થશે’

પોતાના સંબોધન દરમિયાન હર્ષ સંઘવી વધુ આક્રમક બન્યા હતા અને સુરત શહેરમાં ગેરવ્યવસ્થા ફેલાવતા તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે "સફાયો" શબ્દનો પ્રયોગ કરતા કહ્યું કે, સુરતના દરેક ખૂણેથી ગેરવ્યવસ્થા દૂર કરવાનો સમય હવે આવી ગયો છે. સુરતની શાંતિ અને પ્રગતિમાં અવરોધ બનતા તાયફાવાળા તત્વો માટે હવે શહેરમાં કોઈ સ્થાન રહેશે નહીં.

જનતાને ‘ડબલ હિસાબ’ કરવા આહવાન

આવતી ચૂંટણીના સંકેત આપતા તેમણે જનતાને એકજૂટ થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સુરતના વિકાસની ગતિને રોકવાનો પ્રયાસ કરનારાઓ સામે જનતાએ "ડબલ હિસાબ" કરવા તૈયાર રહેવું જોઈએ. મજબૂતીથી આગળ વધીને સુરતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

ખાલી પડેલા કોંગ્રેસ કાર્યાલયો પર કટાક્ષ

સભા પૂર્ણ થયા બાદ શહેરમાં ફરતી વખતે થયેલા અનુભવો શેર કરતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, સુરત શહેરમાં ફરતી વખતે કોંગ્રેસના કાર્યાલયો સુમસામ અને ખાલી દેખાયા હતા, જે દર્શાવે છે કે વિપક્ષ જનતાની વચ્ચેથી ગાયબ થઈ ચૂક્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now