જૂનાગઢ ગિરનારની પવિત્ર ભૂમિ પર વધી રહેલા અતિક્રમણ અને સરકારી દસ્તાવેજોમાં થયેલી કથિત ગેરરીતિઓ સામે હવે ભક્તિ અને શક્તિનો સંગમ થવા જઈ રહ્યો છે. ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા આગામી 23 તારીખે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.
ગિરનારની જમીન પર કબજાનું ષડયંત્ર: મહંત મહેશગીરી બાપુ
ભૂતનાથ મંદિર ખાતે મળેલી મહત્વની બેઠકમાં મહંત મહેશગીરી બાપુએ વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગિરનારની એક-એક ઇંચ જમીન પર ધીમે-ધીમે કબજો જમાવવામાં આવી રહ્યો છે. જે રીતે ખેતરના શેઢા દબાવવામાં આવે છે, તેવી જ રીતે પવિત્ર ક્ષેત્રમાં જમીનો પચાવી પાડવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે સીતાવર જેવા વિસ્તારોમાં સનાતની સાધુઓને પથ્થર હલાવવાની પણ મનાઈ છે, જ્યારે જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ ગઈ છે. આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી.
દસ્તાવેજોમાં છેડછાડ અને ભ્રષ્ટાચારના આક્ષેપ
આ વિવાદમાં સરકારી તંત્રની ભૂમિકા સામે પણ આંગળી ચીંધવામાં આવી છે. વર્ષ 1949 ના મંકોડી કમિશનના રિપોર્ટ મુજબ જે સ્થાનોની સંખ્યા મર્યાદિત હતી, તે લેન્ડ રેકોર્ડમાં છેડછાડ કરીને હવે 150 થી વધુ દર્શાવવામાં આવી રહી છે. ગિરનારના શેષાવન અને હનુમાનધારા જેવા વિસ્તારોમાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાનું સમિતિના સભ્યોએ જણાવ્યું છે.
જૂનાગઢના લોકોને જાગૃત થવા હાકલ
મહેશગીરી બાપુએ ભૂતકાળમાં બનેલી ગૌરક્ષનાથજીની મૂર્તિ ખંડિત થવાની ઘટના અને અંબાજી મંદિર પાસેના વિવાદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જો આજે જૂનાગઢના લોકો મૌન રહેશે, તો આવનારી પેઢી ક્યારેય માફ નહીં કરે. આ આંદોલનને રાજકીય પક્ષોથી ઉપર ઉઠીને જનહિતમાં લડવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
23 મી તારીખે યોજાનારી આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં સંગઠનો અને શ્રદ્ધાળુઓ જોડાશે. આ લડાઈ ગિરનારના ભવિષ્ય અને તેની પવિત્રતા જાળવી રાખવા માટે નિર્ણાયક સાબિત થશે.





